ભરૂચ :
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી ફરી એકવાર ગેરકાયદેસર ડ્રગ્સના ઉત્પાદનનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. ગડખોલ વિસ્તારમાં ભાડાના મકાનમાં ચલાવવામાં આવતી મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવવાની મિની ફેક્ટરી પર દિલ્હી અને સુરતની ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI)ની સંયુક્ત ટીમે દરોડો પાડી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે.
દરોડા દરમિયાન અંદાજે ₹40 લાખની કિંમતનું મેફેડ્રોન (MD) ડ્રગ્સ, ડ્રગ્સના ઉત્પાદન માટે વપરાતો કાચો માલ (રૉ મટીરિયલ) તેમજ વિવિધ કેમિકલ સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન મકાનના એક રૂમમાં કેમિકલ પ્રોસેસ માટે વિશેષ લેબોરેટરી તૈયાર કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. DRIની ટીમે તમામ સામગ્રી કબજે કરીને મકાનને સીલ મારી દીધું છે.
આ કાર્યવાહી દરમિયાન ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. તેમની પૂછપરછના આધારે ડ્રગ્સના ઉત્પાદન અને સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે.
તપાસ એજન્સી સમગ્ર કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન આંતરરાજ્ય તેમજ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા વધુ મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં અગાઉ પણ જીવનરક્ષક દવાઓના ઉત્પાદનની આડમાં ડ્રગ્સ બનાવવાનો મોટો રેકેટ ઝડપાયો હતો. ફરી એકવાર શહેરમાંથી નશાના કાળા કારોબારનો પર્દાફાશ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
