Proud of Gujarat
FeaturedGujaratINDIA

આ શું થઇ ગયું ? સાવ આવું તે કાંઈ હોતું હશે ? જાણો વધુ.

Share

દર્દથી કણસ્તા કોરોનાના દર્દીઓને ઓકસીજનની ખોટ ના સાલે તે માટે પ્રયત્નશીલ ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં કાર્બન ડાયોક્સાઈડના ગોટેગોટા છવાય ગયા!!.. કુદરતે જાણે ક્રૂર મજાક કરી. ભરપૂર માત્રામાં CO2 ઠાલવીને જાણે ચેલેન્જ આપી કે તાકાત હોય તો આને O2 માં ફેરવી બતાવ!!… ( આ કામ કુદરત વૃક્ષો પાસે નિયમિત લે જ છે…).કાળા માથાનો માનવી હારી ગયો અને નિર્દોષ દર્દીઓ સ્વાહા થયા.

દુસ્વપ્ન જેવી આ દુર્ઘટના કુદરતની આપણા પ્રત્યેની નારાજગીનો જ ભાગ છે. અન્યથા પવિત્ર રમઝાન માસમાં આગમાં ભડથું થઈ મોતને ભેટવાનું મોમીનોના હિસ્સે આવે ખરું?? વેલ્ફર હોસ્પિટલની મધરાત્રીની વિકરાળ આગે એક જ ઝાટકે ઘણું બધું નુકસાન પહોચાડ્યું. દર્દીઓની જિંદગી અને સંસ્થાની વર્ષોની જહેમત હોમાઈ ગઈ.

Advertisement

મર્હુમ મહંમદચાચા (ફાંસીવાલા ), અને તેમના હોનહાર પુત્ર મર્હુમ સલીમ પટેલની હયાતીમાં આવી દુર્ઘટના નથી સર્જાઈ, એ પણ ગનિમત ગણાય.અન્યથા પોચા દિલના મોહમદચાચા અને સલીમભાઈની ખુદની તબિયતને અસર પડત. નેક કાર્યમાં નાના મોટા માનવીય વિઘ્ન આવે તે તો સમજ્યા, પણ પરવર દિગાર જ જાણે નારાજ થાય અને પ્રકોપ વર્તાવતી હરકત કરે ત્યારે માનવીએ ક્યાં જવુ? પાઈ – પાઈ, ટીપે -ટીપે, અને દિવસ- રાત એક કરીને એક સંસ્થા ઉભી કરી હોય, જેનો મકસદ જિંદગી બક્ષવાનો હોય, O2 વહેંચવાનો હોય, એ સંસ્થામાં આમ અચાનક CO2 કેર વરતાવે,અનેકો નિર્દોષ જિંદગીઓનો ભોગ લેવાય, ત્યારે થોડી ક્ષણો માટેય વિચાર આવી જાય કે, સારુ છે, મોહંમદચાચા નથી. અહેમદ પટેલ સાહેબ પણ નથી. નહી તો, કેટલો જીવ બાળત.

ખ઼ુદાની ખુદાઈ અને દેવોની દેવતાઈ, જાણે દાવ પર લાગી છે. દર્દથી કણસતો કોઈ રોગી જે તીવ્રતાથી, દર્દવશ, રહેમ – રહેમ ની પુકાર કરે, એવુ જ દર્દ આજે ભરૂચવાસીઓ મહેસુસ કરીને, કુદરત પાસે રહેમની ભીખ માંગી રહ્યા છે. નર્મદા કિનારે રોજની જલતી લાશો ઓછી પડતી હતી કે આ સળગતી આગની હોનારત સર્જી??

નઠારા તંત્રને, માનવીય અણઆવડતને કે લોભી વૃત્તિને દોષ દેવાનો આ સમય નથી અને અર્થ પણ નથી. હોસ્પિટલની મદદમાં લાગેલા સેંકડો સેવાભાવીઓ નવી આશાનું જ કિરણ છે. સર્જન અને વિસર્જન, બંને કુદરતના હાથમાં છે, એ સત્ય ફરી સ્વીકારી લઈએ. આ હોસ્પિટલમાં સારવાર લઈને સાજા થયેલા હજારો માનવીઓની દુવાની જરૂર અસર થશે. બધુ પુનઃ ધબકતું થઈ જશે

જોકે, આ ભરૂચી દુર્ઘટનાથી સત્તાવાળાઓ કોઈ ઘડો લાડવો લે, તો સારુ. ત્રુટિ દેખાય એ નહીં, ત્રુટિનું સમાધાન થાય, એ અગત્યનું છે.

બાકી, આ સમયે કોઈ એમ્બ્યુલનસનો ડ્રાઇવર, સ્વીપર, નર્સ , રીક્ષાવાળો, ટ્રાફિક પોલીસ કે મેડિકલ સ્ટોરવાળો, આવી હોનારતની નાહકની ચર્ચામાં સમય બગડશે તો, જાણે અજાણે તેવો કોઈ નવા દર્દીની જિંદગી જોખમમાં મુકશે. આનાથી સમાજને વધુ નુકસાન થશે.

આવો, આપણે સૌ મળીને સાચા હૃદયથી પ્રાર્થના કરીએ.


Share

Related posts

અંકલેશ્વર : નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ૧ ના બે રસ્તાનું ખાતમુહર્ત કરાયું.

ProudOfGujarat

સુરતના પાંડેસરા જીઆઇડીસી ની એક મિલમાં આગ લાગતાં નાસભાગ મચી જવા પામી હતી.

ProudOfGujarat

એક જ મહિનામાં 16 મી વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા : કોરોનાની મહામારી વચ્ચે પડતા પર પાટુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!