ભરૂચ: વાગરા તાલુકામાં આવેલી KP એનર્જી લિમિટેડની વિવિધ સાઇટ્સ પરથી આશરે રૂ.1.50 લાખના એલ્યુમિનિયમ કંડક્ટર વાયરની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે આ ચોરીમાં કંપનીના હાલના સાઇટ એન્જિનિયર અને એક પૂર્વ કર્મચારી સહિત ત્રણ વ્યક્તિઓની સંડોવણી સામે આવતા કંપનીની આંતરિક સુરક્ષા વ્યવસ્થા પર ફરી પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.
પોલીસ ફરિયાદ મુજબ, 25 જૂનથી 12 જુલાઈ દરમિયાન જણીયાદરા સ્ટોર, જણીયાદરા PSS તેમજ જણીયાદરા-ગોલાદરા અને જણીયાદરા-ત્રાંકલ ટ્રાન્સમિશન લાઇનમાંથી કુલ અંદાજે 3,800 મીટર એલ્યુમિનિયમ કંડક્ટર વાયર ચોરી કરવામાં આવ્યો હતો. આ ચોરીમાં કંપનીના સાઇટ એન્જિનિયર ભુષણ કર્માકર, પૂર્વ કર્મચારી શૈલેન્દ્ર ગોર અને પહાજ ગામના ફિરોજ દિવાનની સંડોવણી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ મામલે ધ્રુવેટ કોર્પોરેશનના પ્રતિનિધિ ભાવસિંગ બાલુભાઈ ચૌહાણે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે કાર્યવાહી તેજ કરી હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે KP એનર્જીમાં અગાઉ પણ ગંભીર ઘટનાઓ બની ચૂકી છે. કર્મચારી વાહન નીચે કચડાઈ જવાથી મોત તેમજ અન્ય સાઇટ પર કેબલમાં ફસાતા શ્રમિકના મૃત્યુ જેવી ઘટનાઓ બાદ હવે કંપનીની સાઇટ પરથી કિંમતી સામગ્રીની ચોરી સામે આવતા સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા અંગે સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઈ છે. જોકે અગાઉની દુર્ઘટનાઓ અને હાલની ચોરીની ઘટના અલગ-અલગ પ્રકરણો છે.
