ભરૂચ:
ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં 12 ઓગસ્ટ, 2026થી ‘નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ’નો અમલ શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરવામાં આવેલા સુધારાઓને અનુરૂપ શરૂ કરાયેલી આ વ્યવસ્થાનો હેતુ ટ્રાફિક ચલણની પ્રક્રિયાને વધુ પારદર્શક, ટેક્નોલોજી આધારિત અને સમયબદ્ધ બનાવવાનો છે.
નવી વ્યવસ્થા મુજબ ઇલેક્ટ્રોનિક ચલણ અધિકૃત માધ્યમથી 3 દિવસની અંદર, જ્યારે ભૌતિક ચલણ 15 દિવસની અંદર પહોંચાડી શકાય છે. ચલણ જારી થયાની તારીખથી 45 દિવસની અંદર વાહન માલિકે ચલણની રકમ ભરવી અથવા જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે પોર્ટલ પર તેનો પડકાર કરવો પડશે. માત્ર વાંધો રજૂ કરવો પૂરતો નહીં રહે અને દાવાને સમર્થન આપતા પુરાવા રજૂ કરવા પડશે.
45 દિવસમાં ચલણને પડકારવામાં નહીં આવે તો તે સ્વીકારવામાં આવ્યું હોવાનું માનવામાં આવશે. ત્યારબાદ ચુકવણી માટે વધુ 30 દિવસનો સમય આપવામાં આવશે. જો સક્ષમ સત્તાધિકારી દ્વારા પડકાર નામંજૂર કરવામાં આવે તો આદેશ મળ્યાના અથવા પોર્ટલ પર અપલોડ થયાના 30 દિવસમાં ચુકવણી કરવી પડશે.
ચલણની અવગણના કરનાર સામે કાર્યવાહી પણ થઈ શકે છે. બાકી ચલણના નિકાલ સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા વાહન રજિસ્ટ્રેશન સંબંધિત અરજીઓની પ્રક્રિયા અટકાવી શકાય છે. વાહનને ‘Not to be Transacted’ તરીકે ચિહ્નિત કરવાની તેમજ કાયદા મુજબ વાહન અટકાવવાની કાર્યવાહી પણ થઈ શકે છે.
ગુજરાત પોલીસે વાહનચાલકોને ચલણની સ્થિતિ નિયમિત ચેક કરી સમયસર ચુકવણી અથવા નિયમ મુજબ પડકાર કરવા તથા Parivahan પોર્ટલ પર મોબાઇલ નંબર અપડેટ રાખવા અપીલ કરી છે.
