ભરૂચ: આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોને ધ્યાનમાં રાખીને ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા ખાદ્યચીજોના વેચાણ અને ગુણવત્તા અંગે ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તહેવારો દરમિયાન મીઠાઈ, ફરસાણ સહિતની ખાદ્યચીજોની માંગ વધતી હોવાથી વિભાગ દ્વારા અગાઉથી જ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ભરૂચ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં આવેલી વિવિધ હોટલો, મીઠાઈની દુકાનો, બેકરી સહિતના ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા સ્થળોએ તપાસ કરી હતી. દરમિયાન દુકાનોમાં તૈયાર કરવામાં આવતી તેમજ વેચાણ માટે રાખવામાં આવેલી ખાદ્યચીજોની ગુણવત્તા, સ્વચ્છતા અને હાઇજિનની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
તહેવારો દરમિયાન ગ્રાહકોને ભેળસેળયુક્ત કે હલકી ગુણવત્તાવાળી ખાદ્યચીજો ન મળે તે માટે વિભાગ દ્વારા વેપારીઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. ખાદ્ય પદાર્થો તૈયાર કરતી વખતે સ્વચ્છતા જાળવવા તેમજ ખાદ્યચીજોના સંગ્રહ અને વેચાણમાં નિયમોનું પાલન કરવા તાકીદ કરવામાં આવી હતી.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આ કાર્યવાહીથી મીઠાઈ, બેકરી અને હોટલ સંચાલકોમાં પણ દોડધામ જોવા મળી હતી. આગામી દિવસોમાં પણ તહેવારોને અનુલક્ષીને જિલ્લામાં ખાદ્યચીજોના વેચાણ કરતા એકમોમાં ચેકિંગની કામગીરી વધુ સઘન કરવામાં આવે તેવી શક્યતા છે.
