Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ હાઈવે પર સાઈટ એન્જિનિયર સાથે મારામારીનો આક્ષેપ : લુવારા નજીક બ્રિજ મેન્ટેનન્સ દરમિયાન બોલાચાલી બાદ લાફો માર્યાની ફરિયાદ; RTI એક્ટિવિસ્ટ સામે નબીપુર પોલીસમાં ગુનો

Share

 

ભરૂચ: ભરૂચ-મુંબઈ નેશનલ હાઈવે-48 પર લુવારા ગામ નજીક બ્રિજ મેન્ટેનન્સનું કામ કરી રહેલા સાઈટ એન્જિનિયર સાથે બોલાચાલી બાદ ઝપાઝપી અને લાફો માર્યાની ફરિયાદ નબીપુર પોલીસ મથકે નોંધાઈ છે. ફરિયાદમાં એક વ્યક્તિએ પોતે સામાજિક કાર્યકર અને RTI એક્ટિવિસ્ટ હોવાની ઓળખ આપી કંપનીનું કામ બંધ કરાવી દેવાની ધમકી આપ્યાનો તેમજ નિયમિત નાણાં આપવાની માંગ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

મૂળ બિહારના અને હાલ કોસંબા ખાતે રહેતા સાઈટ એન્જિનિયર શોહેબ અહમદ અબ્દુલ કલામે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 9 ઓગસ્ટે તેઓ લુવારા નજીક હાઈવે પર સુપરવાઈઝર અને મજૂરો પાસે બ્રિજ મેન્ટેનન્સનું કામ કરાવી રહ્યા હતા. દરમિયાન બાઈક પર કેતન ધીરજ સોરઠીયા નામનો શખ્સ આવ્યો હતો.

ફરિયાદ મુજબ, કેતન સોરઠીયાએ પોતે સામાજિક કાર્યકર અને RTI એક્ટિવિસ્ટ હોવાનું જણાવી કંપનીનું બ્રિજ મેન્ટેનન્સનું કામ યોગ્ય રીતે થતું ન હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ કંપનીના શેઠને કહી કંપની બંધ કરાવી દેવાની ધમકી આપી અપશબ્દો બોલ્યા હોવાનો આરોપ છે.

‘નિયમિત નાણાં આપો નહીં તો RTI કરી કંપની બંધ કરાવી દઈશ’નો આક્ષેપ

સાઈટ એન્જિનિયરે કંપનીના GM ગૌરાંગ પટેલ સાથે ફોન પર વાત કરવા જણાવતાં આરોપીએ તેમના શેઠને પણ ફોન કરી અપશબ્દો ઉચ્ચાર્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. બાદમાં કંપનીના માલિક સાથે મીટિંગ કરાવવા અને નિયમિત નાણાં આપવાની માંગ કરી હતી. નાણાં નહીં આપવામાં આવે તો RTI કરીને કંપનીનું કામ બંધ કરાવી દેવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

સાઈટ પર હાજર કર્મચારીઓએ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ફરિયાદ મુજબ આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને સાઈટ એન્જિનિયર સાથે ઝપાઝપી કરી લાફો મારી ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો.

ઘટના બાદ સાઈટ એન્જિનિયરે કંપનીના ડાયરેક્ટર અભિજિત રાઠોડને જાણ કરી હતી. તેમના જણાવ્યા મુજબ, ઝાડેશ્વર રોડ પર મેઘનુષ ટાઉનશીપમાં રહેતા કેતન સોરઠીયા અગાઉ પણ RTIના નામે નાણાંની માંગણી કરી મેસેજ મારફતે ધમકીઓ આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર મામલે સાઈટ એન્જિનિયરે કેતન સોરઠીયા વિરુદ્ધ નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


Share

Related posts

મિત્રને મળવા નિકળેલાં મિત્રોની કાર ગટરમાં પલટી : એકનું મોત ત્રણને ઇજા

ProudOfGujarat

અજાણ્યા વાહનની ટક્કરે યુવાનનું મોત

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં તસ્કરોનો તરખાટ યથાવત… વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭ માં આશરે કુલ ૯૧૮ ઘરફોડ અને ચોરીના બનાવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!