ભરૂચ:
ભરૂચ નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાન દરમિયાન વોર્ડ નંબર-8માં આવેલા સિટી સેન્ટર પાછળ વર્ષો જૂનો કચરાનો મોટો ઢગલો મળી આવ્યો હતો. પાલિકા દ્વારા દરરોજ બે વખત ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતી હોવા છતાં વેપારીઓ અને સંચાલકો દ્વારા ખુલ્લામાં કચરો ફેંકવામાં આવતો હોવાનું આકસ્મિક તપાસમાં સામે આવ્યું હતું.
મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ અને સેનેટરી ઇન્સ્પેક્ટર ભૂમિ સેવક સહિતની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. દરમિયાન સિટી સેન્ટરના વેપારીઓ કચરો યોગ્ય જગ્યાએ આપવાને બદલે પાછળના ભાગે ખુલ્લામાં ઠાલવતા હોવાનું સામે આવ્યું હતું. વર્ષોથી એકઠા થયેલા કચરાના ઢગલાને કારણે રખડતાં પશુઓ પણ ત્યાં અડિંગો જમાવતા હોવાથી ગંદકીમાં વધુ વધારો થતો હતો.
12 કલાકમાં કચરો હટાવવાનો આદેશ
સ્વચ્છતા અંગેની બેદરકારી બદલ પાલિકા તંત્ર દ્વારા સંચાલકોને ₹2,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. સાથે જ 12 કલાકની અંદર સ્થળ પરથી સમગ્ર કચરો હટાવી સફાઈ કરવાની તાકીદ કરવામાં આવી હતી. પાલિકા દ્વારા કચરો નહીં હટાવવામાં આવે તો વધુ કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ચેતવણી આપવામાં આવી હતી.
બે વખત ડોર-ટુ-ડોર કલેક્શન છતાં બેદરકારી
સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા જણાવાયું હતું કે નગરપાલિકા વિસ્તારમાં દરરોજ બે વખત ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની કામગીરી કરવામાં આવે છે. નાગરિકો તરફથી કચરા અંગેની ફરિયાદો મળતાં તેનો પણ ત્વરિત નિકાલ કરવામાં આવે છે.
પાલિકા તંત્રે વેપારીઓ સહિત શહેરના તમામ નાગરિકોને જાહેર માર્ગો કે ખુલ્લી જગ્યામાં કચરો ન ફેંકવા અપીલ કરી છે. શહેરને સ્વચ્છ રાખવા માટે કચરો માત્ર કલેક્શન માટે આવતી ગાડીઓમાં જ આપવા અને સ્વચ્છતા જાળવવામાં નગરપાલિકાને સહયોગ આપવા અનુરોધ કરાયો છે.
