વાંકલ:
માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે આવેલી શાંતિનિકેતન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ તાજેતરમાં યોજાયેલા જિલ્લા કક્ષાના રમતોત્સવમાં શાનદાર પ્રદર્શન કરી શાળા તથા સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે. U-17 અને U-19 વયજૂથની વિવિધ ટ્રેક અને ફિલ્ડ એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ રમતકૌશલ્ય દર્શાવી કુલ 10 મેડલ પોતાના નામે કર્યા હતા.
સ્પર્ધામાં U-19ની 1500 મીટર દોડમાં લાજરસ વસાવા તથા ઊંચી કૂદમાં પ્રિયલ વસાવાએ પ્રથમ ક્રમ મેળવી શાનદાર સફળતા હાંસલ કરી હતી. જ્યારે U-19ની લાંબી કૂદમાં સંધ્યા ચૌધરીએ દ્વિતીય ક્રમ મેળવ્યો હતો.
આ ઉપરાંત U-17ની 200 મીટર દોડમાં અમન ચૌધરી, લાંબી કૂદમાં અંશ વસાવા અને 3000 મીટર દોડમાં સાવન વસાવાએ તૃતીય ક્રમ મેળવ્યો હતો. U-19ની લાંબી કૂદમાં મીતાંતુ ચૌધરી અને નિધિ ચૌધરી, 400 મીટર દોડમાં નિધિ પરેશ ચૌધરી તથા U-17ની 200 મીટર દોડમાં ધ્રુવિકા ધર્મેશ વસાવાએ પણ તૃતીય ક્રમ મેળવી શાળાની સિદ્ધિમાં વધારો કર્યો હતો. ધ્રુવિકા વસાવાએ સમગ્ર સ્પર્ધા દરમિયાન નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું.
વિદ્યાર્થીઓની આ સફળતા તેમની સખત મહેનત, નિયમિત તાલીમ અને રમત પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે વ્યાયામ શિક્ષક પ્રદીપભાઈના યોગ્ય માર્ગદર્શનનું પરિણામ હોવાનું શાળા પરિવારે જણાવ્યું હતું.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ શાળાના મેનેજર ફા. ચાર્લ્સ, આચાર્ય સ્નેહલસિંહ ચૌહાણ તથા વ્યાયામ શિક્ષક પ્રદીપભાઈએ તમામ વિજેતા તેમજ ભાગ લેનાર ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. ભવિષ્યમાં વિદ્યાર્થીઓ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા અને વિસ્તારનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
