ભરૂચ:
ભરૂચ-અંકલેશ્વર વિસ્તારમાં ઓનલાઈન ઠગાઈ કરતી ટોળકી ફરી સક્રિય બની હોવાના બે ચોંકાવનારા બનાવ સામે આવ્યા છે. અલગ-અલગ બનેલા બંને બનાવમાં એક પ્રોજેક્ટ મેનેજર સહિત બે વ્યક્તિઓને ભોળવી ઠગ ટોળકીએ તેમના બેંક ખાતામાંથી કુલ રૂ.1.04 કરોડથી વધુની રકમ પડાવી લીધી હતી. બંને બનાવ અંગે ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં તપાસ શરૂ કરવામાં આવી છે.
ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલી નવજીવન સોસાયટીમાં રહેતા અને પેટ્રોનેટ LNG દહેજ ખાતે 17 વર્ષથી પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા નિશાંત ભગુભાઈ પટેલને ગત 18 જાન્યુઆરીએ એક અજાણ્યા વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા. ગ્રુપમાં શેરબજારની ટીપ્સ આપવામાં આવતી હતી. બાદમાં હરજોત ઢાલીવાલ અને અનિરૂદ્ધ જૈન નામના શખ્સોએ તેમનો સંપર્ક કરી અલગ-અલગ એજન્સીમાં ડીમેટ એકાઉન્ટ ખોલાવી રોકાણ કરાવ્યું હતું.
શરૂઆતમાં ડીમેટ એકાઉન્ટમાં સારો નફો દર્શાવી વિશ્વાસ કેળવ્યા બાદ નફાની રકમ ઉપાડવા માટે વિવિધ ચાર્જ ભરવાના બહાને તેમની પાસેથી રૂ.91.51 લાખથી વધુ પડાવી લેવાયા હતા. નિશાંત પટેલે 1930 હેલ્પલાઇન પર ફરિયાદ કરતાં સાયબર પોલીસે રૂ.37.84 લાખ ફ્રીઝ કરી પરત મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.
બીજા બનાવમાં અંકલેશ્વર GIDC વિસ્તારમાં રહેતા હાર્દિક મથુર શેખડાએ ગોલ્ડ લોન લીધી હતી. લોનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમના ખાતામાં રૂ.9.97 લાખ જમા થવાના હતા, પરંતુ તે પહેલાં જ ખાતામાંથી બે વખત મળી રૂ.3.15 લાખ ઉપડી ગયા હતા. બાદમાં ગોલ્ડ લોનની રકમ ખાતામાં જમા થતાં તે પણ કોઈ અજાણ્યા શખ્સે બે વખત ઉપાડી લીધી હતી. આમ કુલ રૂ.13.12 લાખની છેતરપિંડી થતાં સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બંને બનાવમાં પોલીસે ગુનો નોંધી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને આરોપીઓની કડી શોધવા તપાસ હાથ ધરી છે.
