ભરૂચ: શક્તિનાથ નજીકના મારુતિનગરમાં મકાનમાં બિરિયાની બનાવવાના મુદ્દે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. રોયલ બિરિયાનીના માલિક પર ચાર શખ્સોએ હુમલો કરતાં ચકચાર મચી ગઈ હતી. માથામાં ધારીયા જેવા હથિયારથી ઘા વાગતાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી.
મળતી માહિતી મુજબ, મોટા ડભોઇયાવાડમાં રહેતા મોહંમદ તોસીફ મોહંમદ રફીક ફલશ્રુતિ નગર ખાતે રોયલ બિરિયાનીની દુકાન ચલાવે છે. તેમના કાકાનું મારુતિનગરમાં લાંબા સમયથી બંધ મકાન હોવાથી છેલ્લા 15 દિવસથી ત્યાં બિરિયાની બનાવવાનું કામ શરૂ કર્યું હતું.
રવિવારે સવારે મકાનની બાજુમાં રહેતા જૂનેદભાઈ, છોટુભાઈ, લાલભાઈ અને હનીફભાઈએ બિરિયાની બનાવવાનો ધંધો બંધ કરવા ધમકી આપી હતી. જાણ થતાં તોસીફ સ્થળે પહોંચ્યા હતા. બોલાચાલી બાદ જૂનેદ ઉશ્કેરાઈ ધારીયા જેવું હથિયાર લાવી તોસીફના માથામાં ઘા માર્યો હતો. ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
