ભરૂચ :
ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે ખરીફ પાકના વાવેતરમાં કપાસનો દબદબો જોવા મળી રહ્યો છે. 31 ઓગસ્ટ સુધી જિલ્લામાં કુલ 1,79,031 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે, જેમાં સૌથી વધુ 98,847 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. ગત વર્ષની સરખામણીએ કપાસના વાવેતરમાં 10,804 હેક્ટરનો નોંધપાત્ર વધારો થયો છે.
ભરૂચ જિલ્લાનો મુખ્ય રોકડિયો પાક કપાસ છે, જ્યારે ત્યારબાદ તુવેરનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 51,697 હેક્ટરમાં તુવેરનું વાવેતર નોંધાયું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કપાસના સારા ટેકાના ભાવને કારણે આ વર્ષે કપાસ તરફ વધુ ખેડૂતો આકર્ષાયા છે.
તાલુકાવાર જોતા જંબુસર કપાસના વાવેતરમાં 33,813 હેક્ટર સાથે પ્રથમ ક્રમે છે. જંબુસર તાલુકામાં કુલ ખરીફ પાકનું વાવેતર પણ સૌથી વધુ 43,274 હેક્ટર વિસ્તારમાં થયું છે. ત્યારબાદ ભરૂચ તાલુકામાં 29,249 હેક્ટર અને આમોદમાં 24,959 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે.
વરસાદ ખેંચાતા વરસાદ આધારિત ખેડૂતોની ચિંતા વધી
એક તરફ ખરીફ વાવેતરનો આંકડો વધ્યો છે, તો બીજી તરફ લાંબા સમયથી વરસાદ ન પડતાં વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોની ચિંતા વધી છે. જોકે કેટલાક વિસ્તારોમાં હજુ પણ ખરીફ પાકનું વાવેતર ચાલી રહ્યું હોવાથી અંતિમ આંકડો વધુ વધવાની શક્યતા છે. કપાસ રોકડિયો પાક હોવાથી બજારમાં તેની માંગ અને સારા ભાવની આશાએ ખેડૂતોનું વલણ કપાસ તરફ વધ્યું હોવાનું માનવામાં આવે છે. સરકારના ટેકાના ભાવથી ખેડૂતોને સારા વળતરની અપેક્ષા પણ કપાસના વાવેતરમાં વધારા પાછળનું એક મહત્વનું કારણ છે.
ભરૂચ જિલ્લાનું ખરીફ પાકનું વાવેતર તાલુકો કપાસ તુવેર અન્ય આમોદ 16,698 7,558 24,959 અંકલેશ્વર 3,719 1,157 10,846 ભરૂચ 12,258 16,136 29,249 હાંસોટ 3,790 211 11,347 જંબુસર 33,813 7,083 43,274 ઝગડિયા 8,274 4,983 15,760 નેત્રંગ 4,124 3,863 14,720 વાગરા 10,775 7,090 17,865 વાલિયા 5,395 3,616 11,012 કુલ 98,847 51,697 1,79,031
