ભરૂચ:
ભરૂચ-વાગરા ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટમાં આવેલા મેજર હેઝાર્ડ આઇડેન્ટિફાઇડ (MAH) યુનિટ્સમાં ઇમરજન્સી સમયે ઝડપી અને અસરકારક કામગીરી થાય તેમજ સલામતીના નિયમોનું ચુસ્ત પાલન થાય તે હેતુથી દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન (DIA) ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. DIAના ચેરમેન એમ. એન. મનાણી તથા ફેક્ટરી ઇન્સ્પેક્ટર વી. એ. હળવદિયાની સંયુક્ત અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વિવિધ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ સાથે સલામતી વ્યવસ્થાને લઈ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં ઔદ્યોગિક અકસ્માત કે અન્ય ઇમરજન્સી સર્જાય ત્યારે આસપાસના કારખાનાઓ વચ્ચે મ્યુચ્યુઅલ એઇડની વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા ભાર મૂકાયો હતો. ઉપરાંત, કારખાનાઓની આસપાસના ગામોના લોકોને ઔદ્યોગિક જોખમો અને સલામતીના ઉપાયો અંગે જાગૃત કરવા માટે વિશેષ અવેરનેસ કાર્યક્રમો યોજવા સૂચના અપાઈ હતી.
આગામી દિવાળી વેકેશન દરમિયાન પણ પ્લાન્ટમાં સલામતી વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે પૂરતો ટેક્નિકલ તથા સુરક્ષા સ્ટાફ ઉપલબ્ધ રાખવા જણાવાયું હતું. ઇમરજન્સી સમયે તાત્કાલિક પ્રતિસાદ આપી શકાય તે માટે સિક્યુરિટી સ્ટાફને યોગ્ય તાલીમ આપવાની પણ તાકીદ કરાઈ હતી.
દિવાળી વેકેશન શરૂ થાય તે પહેલાં તમામ MAH યુનિટ્સમાં સેફ્ટી મોકડ્રિલ યોજવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. આગામી દિવસોમાં સરકારી તંત્ર દ્વારા વ્યાપક સંયુક્ત મોકડ્રિલ યોજવા અંગે પણ બેઠકમાં આયોજન પર ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં ભરૂચ-વાગરા ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટના વિવિધ MAH એકમોના પ્રતિનિધિઓ અને ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
