Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભોલાવમાં મસ્જિદ બની માનવસેવાનું કેન્દ્ર, બ્લડ કેમ્પમાં 126 યુનિટ રક્તદાન :  ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલની સેવાકીય પહેલ; હિન્દૂ-મુસ્લિમ એકતાની સુંદર ઝલક જોવા મળી

Share

 

ભરૂચ: ભોલાવ ગામ ખાતે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદી વાતાવરણને પગલે કેમ્પનું આયોજન મસ્જિદ ખાતે કરવામાં આવ્યું હતું. ધાર્મિક સ્થળે યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કેમ્પમાં કુલ 126 યુનિટ રક્ત એકત્રિત થયું હતું.

Advertisement

કેમ્પ દરમિયાન જરૂરિયાતમંદ દર્દીઓના જીવન બચાવવામાં રક્તદાનની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના વિવિધ વર્ગના લોકો એકસાથે જોડાયા હતા, જેના પગલે ભોલાવમાં હિન્દૂ-મુસ્લિમ એકતાની સુંદર ઝલક જોવા મળી હતી.

કાર્યક્રમમાં કલ્લા શરીફના હઝરત સૈયદ ક્લીમ બાવા, ભોલાવના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર, ભરૂચ નગરપાલિકા કાઉન્સિલર સમશાદઅલી સૈયદ, પંકજ આહીર, માસુમ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

‘મસ્જિદમાં સેવાકીય કાર્યક્રમ ઐતિહાસિક’

આ પ્રસંગે હઝરત સૈયદ ક્લીમ બાવાએ જણાવ્યું હતું કે, મસ્જિદમાં રક્તદાન જેવા સેવાકીય કાર્યક્રમનું આયોજન થવું ઐતિહાસિક અને પ્રેરણાદાયી બાબત છે. ધાર્મિક સ્થળોનો સામાજિક અને માનવતાલક્ષી કાર્યો માટે ઉપયોગ થાય તે સમાજ માટે સકારાત્મક સંદેશ આપે છે. રક્તદાન જેવા મહાન કાર્યમાં સૌએ આગળ આવી સહભાગી બનવું જોઈએ.

કેમ્પને સફળ બનાવવા સલીમ રાઠોડ, ઇમ્તિયાઝ રાજ, ઈરફાન રાઠોડ, સમીર રાજ, અઝીમ મલેક, પીન્કેશ વસાવા, તરુણ પટેલ અને જશુ વસાવા સહિતના યુવાનો તથા વડીલોએ મહેનત કરી હતી.

આયોજકોએ જણાવ્યું હતું કે, રક્તદાન મહાદાન છે અને એક યુનિટ રક્ત કોઈ વ્યક્તિના જીવન માટે અમૂલ્ય સાબિત થઈ શકે છે. ભવિષ્યમાં પણ સમાજના હિતમાં આવી સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવામાં આવશે.

126 યુનિટ રક્તદાન સાથે ભોલાવનો આ કેમ્પ માત્ર રક્તદાન પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ માનવતા, સેવા અને સામાજિક એકતાનો પ્રેરણાદાયી સંદેશ આપી ગયો.


Share

Related posts

રાજપીપળા શહેરનાં અનેક વિસ્તારોમાં આકરી ગરમીમાં પાણી ઓછું આવવાની બુમ.

ProudOfGujarat

રાજપીપલા સહીત નર્મદા જિલ્લામાં કમોસમી ભારે વરસાદથી ખેતીના પાકને નુકસાન.

ProudOfGujarat

ઓરવાડા ગામ પાસે બાઇક સ્લિપ થતા અકસ્માત એક મહિલા સહિત ચારના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!