ભરૂચ : ભરૂચ તાલુકાના સિંધોત ગામે આવેલી પ્રાથમિક મિશ્રશાળામાં શિક્ષકો વચ્ચે ચાલી રહેલા કથિત આંતરિક વિવાદનો મુદ્દો ઉગ્ર બન્યો છે. શિક્ષકોના આંતરિક કચવાટ અને ઝઘડાની અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડી રહી હોવાના આક્ષેપ સાથે તહેવારના દિવસે પણ ગ્રામજનો અને વાલીઓએ શાળાનો ઘેરાવો કરી વિરોધ નોંધાવ્યો હતો.
સિંધોત ગામની ધો.૧થી ૮ સુધીની પ્રાથમિક શાળામાં અગાઉ આશરે ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. જોકે, છેલ્લા દોઢ વર્ષ દરમિયાન શિક્ષકો વચ્ચેના વિવાદને કારણે શાળાનું વાતાવરણ બગડ્યું હોવાના આક્ષેપો વચ્ચે અનેક વાલીઓએ પોતાના બાળકોને શાળામાંથી ઉઠાવી લીધા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. પરિણામે હાલ શાળામાં માત્ર ૭૮ વિદ્યાર્થીઓ જ અભ્યાસ કરી રહ્યા છે અને અન્ય વિદ્યાર્થીઓને બાજુના ગામોની શાળાઓમાં અભ્યાસ માટે મોકલવાની ફરજ પડી રહી છે.
૧૫૦૦થી વધુ વસ્તી ધરાવતા સિંધોત ગામની શાળામાં હાલ પાંચ જેટલા શિક્ષકો ફરજ બજાવે છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે શિક્ષકો વચ્ચેના સતત કચવાટ અને આંતરિક વિવાદના કારણે શાળાનું શૈક્ષણિક વાતાવરણ ખરડાયું છે. સરપંચ, વોર્ડ સભ્યો અને ગ્રામજનો દ્વારા અગાઉ પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી.
ગ્રામજનોએ માંગ કરી છે કે હાલના તમામ શિક્ષકોની બદલી કરી તેમની જગ્યાએ નવા શિક્ષકોની નિમણૂક કરવામાં આવે. આ માટે ૫ ઓક્ટોબર સુધીની મુદત આપવામાં આવી છે. જો આ સમયગાળા દરમિયાન યોગ્ય કાર્યવાહી નહીં થાય તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી આપવામાં આવી છે.
શિક્ષકોના ઝઘડાને કારણે અમારા બાળકોનું શિક્ષણ બગડે છે સિંધોતની પ્રાથમિક શાળામાં બે શિક્ષિકાઓ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હોવાના કારણે બાળકોના શિક્ષણ પર અસર પડી રહી છે. શિક્ષકોના આંતરિક ઝઘડાના કારણે શાળામાં નિયમિત શૈક્ષણિક કામગીરી થતી નથી એવો વાલીઓનો આક્ષેપ છે. “જો સ્થિતિમાં સુધારો નહીં આવે તો આગામી દિવસોમાં બાળકોને અન્ય શાળામાં મોકલવા અને શાળાને તાળાબંધી કરવા મજબૂર થઈશું.” — સુંદરબેન પઢિયાર, વાલી
શાળાની ઘટનાની તપાસ કરાશે સિંધોત પ્રાથમિક શાળાના વિવાદ મામલે ત્રણ શિક્ષકોને ચાર્જશીટ આપવામાં આવી છે અને તેમની સામે હાલમાં તપાસ ચાલી રહી છે. શાળામાં ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા ઘેરાવ અંગે પણ માહિતી મળી છે. સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને સૂચના આપવામાં આવી છે. તેમનો અહેવાલ મળ્યા બાદ તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. — સચીન શાહ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, ભરૂચ
કાર્યવાહી નહીં થાય તો ૫ ઓક્ટોબરે તાળાબંધી સિંધોત પ્રાથમિક શાળાના શિક્ષકોના આંતરિક વિવાદની સીધી અસર બાળકોના શિક્ષણ પર થઈ રહી છે. હાલની સમસ્યા માટે જવાબદાર શિક્ષકોની બદલી કરી તેમની જગ્યાએ નવા શિક્ષકો મુકવાની ગામજનોની માંગ છે. ૫ ઓક્ટોબર સુધીમાં કાર્યવાહી નહીં થાય તો શાળાને તાળાબંધી કરવાની ફરજ પડશે. — નરેશભાઈ રાઠોડ, સરપંચ, સિંધોત
