ભરૂચમાં નવા વર્ષના પ્રથમ દિવસે લોકોએ ધાર્મિક આસ્થા, પારિવારિક પરંપરા અને સેવાકાર્ય સાથે નૂતન વર્ષની શરૂઆત કરી હતી. વહેલી સવારથી જ લોકો નવા વસ્ત્રો ધારણ કરી મંદિરોમાં દર્શન કરવા પહોંચ્યા હતા. સાથે જ પરિવારના વડીલોના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા.
પરિવારજનો, સગાં-સંબંધીઓ, મિત્રો અને પરિચિતોને મળીને એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. શહેરનાં વિવિધ મંદિરોમાં ભક્તોએ ભગવાનનાં દર્શન અને પૂજા-અર્ચના કરી પરિવારની સુખાકારી, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
ભરૂચના જે.બી. મોદી પાર્ક નજીક આવેલા પાંજરાપોળમાં પણ લોકોએ ગાયોને ઘાસચારો ખવડાવી ગૌસેવા કરી હતી. અનેક લોકોએ નવા વર્ષની શરૂઆત ધાર્મિક આસ્થા અને સેવાભાવ સાથે કરી હતી.
આમ, ભરૂચમાં નૂતન વર્ષનો પ્રથમ દિવસ પરિવાર સાથે મિલન, વડીલોના આશીર્વાદ, મંદિરોમાં દર્શન અને ગૌસેવા જેવી પ્રવૃત્તિઓ સાથે હર્ષોલ્લાસભર્યા માહોલમાં ઉજવાયો હતો.
