વાંકલ :
ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં દસ દિવસ સુધી ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવાયેલા ગણેશોત્સવની શ્રદ્ધાભેર પૂર્ણાહુતિ થઈ હતી. વિસર્જનના દિવસે ભક્તોએ ભારે હૈયે શ્રીજીની પ્રતિમાઓને વિદાય આપી આગામી વર્ષે વહેલા પધારવાનું નિમંત્રણ પાઠવ્યું હતું. બંને તાલુકામાં મળી ૩૦૦થી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
વાંકલમાં ઢોલ-નગારાના તાલે ભવ્ય શોભાયાત્રા
માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં ગણેશોત્સવ દરમિયાન વિવિધ ગણેશ મંડળો દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમો અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાઆરતીમાં યુવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. વિસર્જનના દિવસે વિવિધ મંડળો દ્વારા ડીજે અને ઢોલ-નગારાના તાલે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
શોભાયાત્રા દરમિયાન ‘ગણપતિ બાપા મોરિયા, ઘીમાં લાડુ ચોરિયા’ તથા **‘અગલે બરસ તૂ જલ્દી આ’**ના ગગનભેદી નાદથી સમગ્ર વાંકલ નગરી ગુંજી ઉઠી હતી. શોભાયાત્રા સ્ટેશન વિસ્તાર, મુખ્ય બજાર, બજેટ ફળિયું, મુક્તાનંદ પાર્ક, ગુલાબ પાર્ક અને સ્નેહલ પાર્ક સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ હતી. માર્ગમાં ગ્રામજનોએ શ્રીજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
વિવિધ મંડળોની પ્રતિમાઓનું અલગ-અલગ સ્થળે વિસર્જન
આઝાદ ચોક અને બ્રધર્સ ગ્રુપ : સ્ટેશન વિસ્તારના ગણપતિનું વેરાવી ફળિયા ખાતે વિસર્જન કરાયું હતું. ગાયત્રી મંડળ અને ગામીત ફળિયું સંયુક્ત નવયુવક મંડળ : શ્રીજીની પ્રતિમાનું વાંકલ ભૂખી નદી ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું. ગજાનંદ ગ્રુપ અને ગણેશ યુવક મંડળ : શ્રીજીની પ્રતિમાનું લવેટ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું.
વિસર્જન સ્થળોએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે માંગરોળ પોલીસ દ્વારા શોભાયાત્રાના માર્ગો તેમજ વિસર્જન સ્થળો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની હાજરી વચ્ચે સમગ્ર વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.
