Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની ગ્રાન્ટેડ-નોન ગ્રાન્ટેડ અને લઘુમતી શાળાઓના પડતર પ્રશ્નો ઉકેલવા માંગ : શાળા સંચાલકોનું જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર, બિનશૈક્ષણિક કર્મચારીઓની ભરતીથી લઈ RTEની ફી સહિતના પ્રશ્નો ઉકેલવા રજૂઆત

Share

 

ભરૂચ:

Advertisement

ભરૂચ જિલ્લાની ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ તેમજ લઘુમતી શાળાઓના સંચાલકોના લાંબા સમયથી પડતર વિવિધ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી છે. શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે આવેદનપત્ર આપી સરકાર અને શિક્ષણ વિભાગ સમક્ષ વારંવાર રજૂઆતો છતાં પ્રશ્નોનો કાયમી ઉકેલ ન આવ્યો હોવાની રજૂઆત કરવામાં આવી હતી.

ગ્રાન્ટેડ શાળાઓ અંગે જૂના મહેકમમાં સુધારો કરી બિનશૈક્ષણિક કર્મચારીઓની ભરતી, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગ્રંથપાલ, પ્રાયોગિક શિક્ષકો સહિતની જગ્યાઓ ભરવા તેમજ ધોરણ 9થી 12માં વર્ગદીઠ વિદ્યાર્થી સંખ્યા અંગેના નિયમોમાં યોગ્ય ફેરફાર કરવાની માંગ કરાઈ છે.

શાળાઓના નિભાવણી ખર્ચ માટે મળતું અનુદાન અપૂરતું હોવાનો મુદ્દો પણ રજૂઆતમાં ઉઠાવવામાં આવ્યો છે. સંચાલકોના જણાવ્યા મુજબ, હાલ મળતા અનુદાનમાંથી કેટલીક શાળાઓમાં વીજળીનું બિલ પણ ભરપાઈ થઈ શકતું નથી. તેથી અનુદાનમાં વ્યાજબી વધારો કરવાની માંગ કરવામાં આવી છે. ગુજરાતી માધ્યમના ગ્રાન્ટેડ વર્ગને માંગણી મુજબ અંગ્રેજી માધ્યમમાં પરિવર્તિત કરવાની પણ માંગ કરાઈ છે.

નોન ગ્રાન્ટેડ શાળાઓના પણ વિવિધ પ્રશ્નો

સ્વનિર્ભર શાળાઓ માટે FRCની ફી નક્કી કરવાની પ્રક્રિયા સરળ બનાવવા માંગ કરાઈ છે. દર વર્ષે મંજૂર ફીમાં 10 ટકા કે તેથી ઓછો વધારો કરતી શાળાઓને દરખાસ્ત અને સોગંદનામાની પ્રક્રિયામાંથી મુક્તિ આપી સીધી મંજૂરી આપવાની રજૂઆત કરવામાં આવી છે.

આ ઉપરાંત RTE હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની ફી અંગે હાઈકોર્ટના માર્ગદર્શન મુજબ યોગ્ય રકમ ચૂકવવા, સ્વનિર્ભર શાળાઓની વહીવટી સ્વાયત્તતામાં બિનજરૂરી હસ્તક્ષેપ દૂર કરવા તેમજ કર્મચારીઓની નિમણૂક અને છૂટા કરવાની બાબતમાં શાળા સંચાલકોને યોગ્ય સત્તા આપવા માંગ કરવામાં આવી છે.

સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓને એકસરખા પરિપત્રો અને વારંવાર માંગવામાં આવતી માહિતીના કારણે વહીવટી મુશ્કેલીઓ ઊભી થતી હોવાનો મુદ્દો પણ રજૂઆતમાં ઉઠાવવામાં આવ્યો છે. તમામ શાળાઓ માટે કોમન પોર્ટલ બનાવી તેમાં માહિતી અપડેટ કરવાની વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે.

લઘુમતી શાળાઓમાં શિક્ષકોની ભરતીની માંગ

લઘુમતી શાળાઓમાં શૈક્ષણિક કર્મચારીઓની ભરતીના પ્રશ્નનો કોર્ટ કેસ સહિત નિકાલ લાવી સત્વરે શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે. શિક્ષકોની અછતને કારણે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ન બગડે તે માટે તાત્કાલિક ભરતી પ્રક્રિયા હાથ ધરવા રજૂઆત કરવામાં આવી છે.

શાળા સંચાલક મંડળે જિલ્લા શિક્ષણાધિકારીને આ તમામ પ્રશ્નો યોગ્ય કક્ષાએ રજૂ કરી સરકાર દ્વારા સકારાત્મક અને કાયમી ઉકેલ લાવવા અપીલ કરી છે.


Share

Related posts

ભરૂચના ઝાડેશ્વરના ચામુંડામાતાના મંદિર સામે આવેલ શ્રી નિકેતન હાઈકલ કોલોનીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો અઢી લાખના મુદ્દામાલ પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા.

ProudOfGujarat

અંકલેશ્વર GIDC ની નવસર્જન બેન્ક પાસે અકસ્માત : વૈભવી કારચાલકે 7 થી 8 વાહનોને લીધા અડફેટે.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના દેથાણ ગામની જઘન્ય ઘટનાના વિરોધમાં કરણી સેનાના અગ્રણીઓએ ભોગ બનેલ મહિલાના પરિવારજનોની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!