વાંકલ :
નાની નરોલી સ્થિત ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ. એકેડમી ખાતે શાળાના આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ધોરણ 6થી 10ના વિદ્યાર્થીઓ માટે શાળા કક્ષાની રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત કલાત્મક પ્રતિભાને બહાર લાવવા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલી આ સ્પર્ધામાં 55 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સ્પર્ધામાં વિદ્યાર્થીઓના ધોરણ અને કૌશલ્યને ધ્યાનમાં રાખીને અલગ-અલગ થીમ નક્કી કરવામાં આવી હતી. ધોરણ 6ના વિદ્યાર્થીઓએ કાર્ટૂન કેરેક્ટર, ધોરણ 7ના વિદ્યાર્થીઓએ ફ્લોરલ ડિઝાઇન અને ધોરણ 8ના વિદ્યાર્થીઓએ મંડલા રંગોળીની થીમ પર પોતાની કલાત્મક આવડત રજૂ કરી હતી. જ્યારે ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓએ ‘પાણી બચાવો, ભવિષ્ય બચાવો’ વિષય પર રંગોળીઓ બનાવીને પાણીના સંરક્ષણનો મહત્ત્વપૂર્ણ સામાજિક સંદેશ આપ્યો હતો.
વિદ્યાર્થીઓએ વિવિધ રંગો અને આકર્ષક ડિઝાઇનના સમન્વયથી સુંદર રંગોળીઓ તૈયાર કરી હતી. સ્પર્ધા દરમિયાન શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગનાં નાનાં ભૂલકાંઓએ પણ રંગોળી પ્રદર્શન નિહાળીને આનંદ માણ્યો હતો.
આ પ્રસંગે શાળાના આચાર્ય વૈભવ અગ્રવાલ તથા શિક્ષકગણે વિદ્યાર્થીઓની કલાત્મક સૂઝબૂઝ, સર્જનાત્મકતા અને મહેનતને બિરદાવી હતી. આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાની સાથે તેમની કલા, કલ્પનાશક્તિ અને સામાજિક જાગૃતિના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
