ભરૂચ:
ભરૂચ શહેરમાં સરકારી કચેરીઓની સુરક્ષા સામે સવાલો ઊભા કરતી ચોરીની ઘટના સામે આવી છે. મક્તમપુર સ્થિત જિલ્લા આયોજન ભવન કચેરીને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી પાંચ એરકન્ડિશનર (AC)ની કોપર પાઇપ કાપીને ચોરી કરી હતી. આ ઉપરાંત બે ACના આઉટડોર યુનિટ દિવાલ પરથી નીચે ફેંકી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનામાં અંદાજે રૂ. ૧૬ હજારનું નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
જિલ્લા આયોજન ભવન કચેરીમાં ઇન્ચાર્જ જિલ્લા આયોજન અધિકારી તરીકે ફરજ બજાવતા મેહુલભાઈ ગોરધનભાઈ પટેલે આ અંગે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, ગત ૯ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સાંજે કચેરી સમય પૂર્ણ થયા બાદ અધિકારીઓ અને કર્મચારીઓ કચેરી બંધ કરીને નીકળી ગયા હતા. ત્યારબાદ ૧૦ અને ૧૧ ઓક્ટોબરના રોજ જાહેર રજા હોવાથી કચેરી બંધ રહી હતી. દરમિયાન, અજાણ્યા તસ્કરોએ કચેરીમાં ચોરીને અંજામ આપ્યો હોવાની આશંકા છે.
૧૨ ઓક્ટોબરના રોજ સવારે આશરે ૧૦ વાગ્યે અધિકારી અને કર્મચારીઓ કચેરીએ પહોંચ્યા ત્યારે પાંચ ACના આઉટડોર યુનિટ પૈકી બે યુનિટ જમીન પર પડેલા જોવા મળ્યા હતા. તપાસ કરતાં પાંચેય ACની ઇન્ડોર અને આઉટડોર યુનિટને જોડતી કોપરની પાઇપ ગાયબ હોવાનું જણાયું હતું. તસ્કરોએ પાઇપ કાપીને ચોરી કરી હોવાની વિગતો સામે આવી હતી.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ચોરી થયેલી કોપર પાઇપનું વજન આશરે પાંચ કિલોગ્રામ અને કિંમત રૂ. ૬,૦૦૦ જેટલી છે. જ્યારે બે આઉટડોર યુનિટ નીચે ફેંકી દેવાથી અંદાજે રૂ. ૧૦,૦૦૦નું નુકસાન થયું છે.
આમ, ૯ ઓક્ટોબરના સાંજે ૭ વાગ્યાથી ૧૨ ઓક્ટોબરના સવારે ૧૦ વાગ્યા દરમિયાન બનેલી આ ઘટનામાં કુલ અંદાજે રૂ. ૧૬ હજારનું નુકસાન થયું છે. સરકારી કચેરીમાં થયેલી આ ચોરી અંગે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી કાયદેસરની તપાસની માંગ કરવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
