ભરૂચ.
નર્મદા જિલ્લામાં આવેલાં સાગબારા તાલુકાના ચાટુવડ ગામે રહેતી એક મહિલાએ ભરૂચની મહિલા પીએસઆઇ સહિત તેમજ તેમની બહેને તેમના ઘરમાં ઘુસી તેમના પર હુમલો કરી તેમના પેટના ભાગે ઓપરેશન કરાયેલાં ભાગે લાતો મારી હોવાનો આક્ષેપ કર્યાં છે. મહિલાએ સાગબારા પોલીસમાં અરજી આપવા છતાં એક વર્ષથી ગુનો નોંધ્યો ન હોવાના આક્ષેપ સાથે કોર્ટમાં ઘા કરતાં સાગરાબા કોર્ટે પોલીસને 48 કલાકમાં એફઆઇઆર નોંધી કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. જોકે, બીજી તરફ મહિલા પીએસઆઇએ આ પ્રકારની કોઇ ઘટના બની જ ન હોવાની કેફિયત રજૂ કરી છે.
સાગબારા તાલુકાના ચાટુવડ ગામની પુનમવતીએ પોલીસમાં વર્ષ 2025માં પોલીસમાં અરજી આપી હતી કે, પારિવારિક ઝઘડામાં ભરૂચમાં ફરજ બજાવતી મહિલા પીએસઆઇ અંજના વલવી તેમજ તેનીબહેન ભાગ્યશ્રી વલવીએ તેના ઘરમાં ઘુસી તેના પર હુમલો કરી તેના ઓરેશન કરેલાં પેટના ભાગે લાતો મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જોકે, ઘટનામાં પોલીસે ફરિયાદ દાખલ નહીં કરતાં પુનમવતીએ કોર્ટમાં ઘા કરતાં કોર્ટે પોલીસને તાકીદી કરી 48 કલાકમાં ફરીયાદ નોંધી કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે. મહિલા પોલીસ પર થયેલાં આક્ષેપોને લઇને મામલાએ ભારે ચર્ચા જગાવી છે.
ઘટનામાં મહિલા પીએસઆઇ અંજના વલવીએ જણાવ્યું હતું કે, તેમના પર થયેલાં આક્ષેપ પાયાવિહોણા છે. આવી કોઇ ઘટના બની જ નથી. તેમણે ઉમેર્યું હતું કે, તેમની બહેન રીનાએ વિજય મણીલાલ સાથે 20 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યાં હતાં. દાંપત્ય જીવનમાં તેનો પતિ તેને અવાર-નવાર મારઝૂડ કરતો હતો. તે ભાગીને પિયરે આવી જતી હતી. જોકે, બાદમાં પોતાના સંસાર માટે તે પાછી સાસરીએ જતી રહેતી હતી. 2025માં 15 એપ્રિલના રોજ તેમની બહેન રીના ચારો લઇને ઘરે આવી રહી હતી. ત્યારે ખેતરમાં જ તેના પર વિજયે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાઓ એટલી ગંભીર હતી કે તેને સમયસર સારવાર ન મળી હોત તો તેને બ્રેઇન હેમરેજ થવાની શક્યતાં હતી. તેમની બહેનને ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાંથી તેને વધુ સારવાર માટે ભરુચ લવાઇ હતી. દરમિયાનમાં સાગબારા પોલીસે મામલામાં ફરિયાદ લીધી હતી. તેમની બહેન સાથે વારંવાર તેનો પતિ મારતો હોવાની અને તે પરત સાસરીએ જતી હોવાને લઇને તેઓએ મામલામાં વધારે ધ્યાન આપ્યું ન હતું. અરસામાં તેમની બહેને સમાધાન પણ કરી લીધું હતું. તેમ છતાં વિજયની ફોઇ પુનમવતીએ તેમના પર ખોટી ફરિયાદ નોંધવા માટેનો કારસો રચ્યો હતો. ન્યાયીક પ્રક્રિયામાં તમામ તથ્ય બહાર આવશે જ તેમ તેમણે ઉમેર્યું હતું.
