ભરૂચ :
આમોદ તાલુકાના ઇખર ગામે 92 વર્ષીય મહમ્મદ યુસુફનો બળેલી હાલતમાં મૃતદેહ મળી આવવાના ચકચારી બનાવમાં ભેદ ઉકેલાયો હોવાનું સામે આવ્યું છે. આ મામલે મૃતકના સગા પુત્ર મુસ્તાક બાડિયાની સંડોવણી સામે આવતાં આમોદ પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, ઇખર ગામમાં રહેતા 92 વર્ષીય મહમ્મદ યુસુફનો મૃતદેહ બળેલી હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મૃતકના પુત્ર મુસ્તાક બાડિયાની સંડોવણી સામે આવતાં પોલીસે તેને અટકાયતમાં લીધો હતો.
પ્રાથમિક તપાસમાં એવી વિગતો પણ સામે આવી રહી છે કે મૃતક મહમ્મદ યુસુફ ગામમાં અવારનવાર લોકો પાસે પાંચથી દસ રૂપિયા માગતા હતા. આ બાબતને કારણે ગામમાં પોતાની પ્રતિષ્ઠાને અસર થતી હોવાની લાગણી પુત્ર મુસ્તાકને થતી હતી અને આ બાબતને લઈને તેણે પિતાની હત્યાનું કાવતરું રચ્યું હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી રહી છે.
જોકે, હત્યા પાછળનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવમાં અન્ય કોઈ પાસાં સંકળાયેલાં છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. 92 વર્ષીય વૃદ્ધ પિતાની હત્યાના આ બનાવથી ઇખર ગામ સહિત સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
