અંકલેશ્વર :
ભરૂચના ચાવજ ખાતે રહેતા કોન્ટ્રાક્ટરે પોતાની ઓલા કંપનીની એસ.1 પ્રો ઇલેક્ટ્રિક મોપેડ સર્વિસ માટે અંકલેશ્વરની એક ગેરેજમાં મૂકી હતી. જોકે, લાંબા સમય બાદ મોપેડ પરત લેવા જતાં ગેરેજ સંચાલકે અલગ-અલગ વાતો કરી મોપેડ પરત નહીં આપતાં છેતરપિંડી થયાની ફરિયાદ કરવામાં આવી છે.
ફરિયાદી પ્રવીણકુમાર ઓમપ્રકાશ રાય (ઉં.વ. 36), જે શ્રીરામ કન્સ્ટ્રક્શન ચલાવે છે, તેમણે વર્ષ 2023માં ઓલા કંપનીની એસ.1 પ્રો ઇલેક્ટ્રિક મોપેડ ખરીદી હતી. જુલાઈ 2025માં બેટરીમાં ખામી સર્જાતાં ઓક્ટોબર 2025માં અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે લાઇઝોન લાઇટ હાઉસની પાછળ આવેલી આરિફભાઈની સર્વિસની દુકાનમાં મોપેડ રિપેરિંગ માટે મૂકી હતી.
ફરિયાદ મુજબ, ગેરેજ સંચાલક આરિફભાઈ સલીમભાઈ ખત્રીએ તપાસ બાદ બેટરી ખરાબ હોવાનું જણાવી સમારકામ માટે રૂ. 15થી 20 હજારનો ખર્ચ થશે તેમ કહ્યું હતું. નાણાંની સગવડ ન હોવાથી ફરિયાદીએ સમારકામ કરાવ્યું નહોતું. ત્યારબાદ ગેરેજ સંચાલકે વોટ્સએપ પર વોઇસ મેસેજ મોકલી મોપેડ લઈ જવા અથવા સમારકામ કરાવવા જણાવ્યું હતું.
ફરિયાદી પોતાની માતા મધુબાલા સાથે 5 જૂન, 2026ના રોજ મોપેડ લેવા પહોંચ્યા ત્યારે ગેરેજ સંચાલકે પહેલાં દસ દિવસમાં સર્વિસ કરીને આપવાની વાત કરી હતી. જોકે, બાદમાં મોપેડ ભંગારમાં વેચી દીધી હોવાનું જણાવ્યું હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ મોપેડ લઈ ગયા હોવાનો દાવો કરતાં ફરિયાદીએ આ વાતનો ઇનકાર કર્યો હતો.
9 સપ્ટેમ્બર, 2026ના રોજ ફરી મોપેડ લેવા જતાં પણ ગેરેજ સંચાલકે મોપેડ પરત આપી નહોતી. આ અંગે ફરિયાદીએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અગાઉ અરજી આપી હતી, જે લોકલ અરજી નંબર 987/26થી નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસને ફરિયાદ આપતાં સમગ્ર મામલે કાયદેસરની તપાસની માંગ કરવામાં આવી છે.
