ભરૂચ.
ભરૂચ તાલુકાના લખીગામ નજીક આવેલા SEZ-02 સ્થિત તત્વા ચિંતન કંપનીમાં નવરાત્રીના ફાળાની રકમ ઓછી આપ્યાની અદાવતમાં એક કર્મચારી સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ભરૂચના આદિલ એવન્યુ ખાતે રહેતા મોહમદ એઝાજ રીયાસતખાન (ઉં.વ. 50)એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, મોહમદ એઝાજ તત્વા ચિંતન કંપનીમાં તેમના માસીના દીકરા મુકીમખાનના KGN એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટમાં દેખરેખનું કામ કરે છે. ગત તા. 31 ઓક્ટોબરના રોજ તેઓ કંપનીમાં ફરજ પર હતા. દરમિયાન સાંજના આશરે પાંચ વાગ્યે લખીગામનો મેહુલ ગોહિલ અન્ય એક વ્યક્તિ સાથે કંપનીમાં આવ્યો હતો. તેણે વસીમ ક્યાં છે તેવી પૂછપરછ કરી હતી. વસીમ ગામડે ગયો હોવાનું જણાવતાં મેહુલે તેમના શેઠ સાથે વાત કરાવવાનું કહ્યું હતું.
ફરિયાદીએ મુકીમખાનને ફોન કર્યો હતો, પરંતુ ફોન રિસીવ થયો નહોતો. જેથી બંને શખ્સોએ કામ બંધ કરી દેવાનું કહેતાં મેહુલ ગોહિલે ફરિયાદીને ખુરશીમાંથી કોલર પકડી ઊભા કરી ધક્કો માર્યો હતો અને ગાળો આપી હતી. ત્યારબાદ પાછળથી ચારથી પાંચ ધક્કા મારી કંપનીની બહાર કાઢ્યા હતા. બંને શખ્સો પાછળ આવતાં મેહુલે ફરિયાદીના ડાબા ગાલ અને કાન પર જોરદાર તમાચો ઝીંક્યો હતો.
આ દરમિયાન મુકીમખાનને ફોન લગાવતાં તેમને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. નવરાત્રીનો ફાળો ઓછો આપ્યો હોવાની વાતને લઈને બંને શખ્સોએ ઝપાઝપી કરી હતી અને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવ અંગે કંપનીના અધિકારીઓને જાણ કર્યા બાદ મેનેજમેન્ટ અને પરિવાર સાથે ચર્ચા-વિચારણા કરીને ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની તપાસ હાથ ધરવાની તજવીજ શરૂ કરી છે.
