ભરૂચ:
ભરૂચના કસક ગરનાળા નજીક હોર્ન વગાડવા જેવી નજીવી બાબતે મારામારીની ઘટના બની હતી. ઈકો કારમાં આવેલા ત્રણ શખ્સોએ બે યુવકો પર હુમલો કરતાં એક યુવકને લોખંડના પાઈપથી માથામાં ત્રણ ઘા મારવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત યુવકને પામલેન્ડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે.
મળતી માહિતી મુજબ, ધોળીકુઈ મોગલપુરા વિસ્તારમાં રહેતા 24 વર્ષીય યક્ષ રાણા એક્ટિવા લઈને ઝાડેશ્વરથી ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન કસક ગરનાળા પાસે પાછળથી આવતી ઈકો કારના ચાલકે વારંવાર હોર્ન વગાડતાં યક્ષે હોર્ન નહીં વગાડવા જણાવ્યું હતું. આથી કારમાં સવાર ત્રણ શખ્સો ઉશ્કેરાઈ તેની સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા.
યક્ષે પોતાના ભાઈ જૈનેશ અને કાકાના દીકરા વિશાલને ઘટનાસ્થળે બોલાવ્યા હતા. જૈનેશ પહોંચતાં ત્રણેય શખ્સોએ તેને ઢીકાપાટુનો માર મારી લોખંડના પાઈપથી માથામાં ઉપરાછાપરી ત્રણ ઘા ઝીંક્યા હતા. વિશાલને પણ લાકડાના સપાટા વડે માર માર્યો હતો. હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.
વિશાલે ઈકો કારનો ફોટો પાડતાં તેનો નંબર GJ-16-DK-7021 હોવાનું સામે આવ્યું હતું. જૈનેશને સિવિલ હોસ્પિટલથી વધુ સારવાર માટે પામલેન્ડ હોસ્પિટલ ખસેડાયો હતો. યક્ષ રાણાની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે કારચાલક સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.
