ભરૂચ જિલ્લામાં દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજના તહેવારો દરમિયાન 108 ઈમરજન્સી સેવામાં દર્દીઓના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. ત્રણ દિવસ દરમિયાન કુલ 404 ઈમરજન્સી કેસ નોંધાયા હતા. જેમાં નૂતન વર્ષના દિવસે સૌથી વધુ 157 કેસ નોંધાયા હતા. સામાન્ય દિવસોની સરખામણીએ આ દિવસે ઈમરજન્સી કેસમાં 45.56 ટકાનો વધારો નોંધાયો હતો.
108 ઈમરજન્સી સેવાના આંકડા મુજબ, ભરૂચ જિલ્લામાં સામાન્ય દિવસોમાં સરેરાશ 108 કેસ નોંધાય છે. જ્યારે 8 નવેમ્બરે દિવાળીના દિવસે 136 કેસ નોંધાયા હતા, જે સામાન્ય દિવસ કરતાં 26.09 ટકા વધુ હતા. આ દિવસે વાહન અકસ્માતના 36, પ્રસૂતિના 33 અને અન્ય અકસ્માત તથા ઈજાના 19 કેસ નોંધાયા હતા.
10 નવેમ્બરે નૂતન વર્ષના દિવસે ઈમરજન્સી કેસનો આંકડો વધીને 157 થયો હતો. જેમાં વાહન અકસ્માતના 31, અન્ય અકસ્માતના 27, પ્રસૂતિના 30, પેટમાં દુખાવાના 17 તેમજ ઝેરી અસર અને ફૂડ પોઈઝનિંગના 13 કેસનો સમાવેશ થાય છે.
જ્યારે 11 નવેમ્બરે ભાઈબીજના દિવસે 111 કેસ નોંધાયા હતા. જેમાં પ્રસૂતિના 27, વાહન અકસ્માતના 22, અજ્ઞાત સમસ્યાના 16 અને પેટમાં દુખાવાના 12 કેસ નોંધાયા હતા.
તહેવારો દરમિયાન માર્ગ અકસ્માત સહિતની તબીબી કટોકટીમાં વધારો થતાં 108 એમ્બ્યુલન્સના પાયલોટ અને ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન (EMT) કર્મચારીઓએ રજાઓમાં પણ ફરજ બજાવી હતી અને દર્દીઓને સમયસર સારવાર મળે તે માટે કામગીરી કરી હતી.
ભરૂચ જિલ્લા 108-112ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરેએ જણાવ્યું હતું કે, તહેવારો દરમિયાન ધારણા કરતાં વધુ ઈમરજન્સી કેસ નોંધાયા હતા. દિવાળીના સમગ્ર સમયગાળા દરમિયાન કેસમાં સરેરાશ 35થી 40 ટકાનો વધારો થયો હતો. જોકે, 108ની ટીમે રજાઓ દરમિયાન પણ સતત સેવા આપીને પોતાની ફરજ નિભાવી હતી.
