ભરૂચ શહેરમાં દારૂના ગેરકાયદે વેચાણ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચના ગોલ્ડન બ્રિજ નીચે વિદેશી દારૂનું વેચાણ કરતા એક શખ્સને સી-ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 18 બોટલ મળી કુલ 6.090 લીટર દારૂનો જથ્થો, જેની કિંમત રૂ.5,100 થાય છે, તે કબજે કર્યો હતો. જ્યારે દારૂનો જથ્થો વેચાણ માટે આપનાર વિશાલ ઉર્ફે હોઠ ફાટલો ફરાર હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચ શહેર સી-ડિવિઝન પોલીસ સ્ટેશનના અ.હે.કો. ધર્મેન્દ્રભાઈ બાબુલાલ સહિતની પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ગોલ્ડન બ્રિજ નીચે વિશાલ ઉર્ફે હોઠ ફાટલો પોતાના માણસને બેસાડીને વિદેશી દારૂનું વેચાણ કરાવે છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી ખાનગી વાહનમાં સ્થળ પર દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન એક શખ્સ થેલામાં વિદેશી દારૂની બોટલો ભરી વેચાણ કરતો મળી આવ્યો હતો. પોલીસે તેને ઝડપી લઈ પૂછપરછ કરતાં તેનું નામ સલમાન સલીમભાઈ મિર્ઝા (ઉં.વ.36), રહે. સ્વામિનારાયણ મંદિર પાછળ, બહારની ઊંડાઈ, ભરૂચ હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે તેની પાસેથી મેજિક મોમેન્ટ ગ્રીન એપલ વોડકાની 4 બોટલ, મેકડોલ નંબર-1ની 1 બોટલ, ઇમ્પિરિયલ બ્લુની 10 બોટલ, સિગ્નેચર અને સ્મિર્નોફ વોડકાની એક-એક તથા રોકફોર્ડ ક્લાસિકની એક બોટલ મળી કુલ 18 બોટલ કબજે કરી હતી.
પકડાયેલા સલમાનની પૂછપરછમાં આ દારૂનો જથ્થો વિશાલ ઉર્ફે હોઠ ફાટલો ઠાકોરભાઈ પરમાર, રહે. ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટી, કસક, ભરૂચનો હોવાનું અને તેણે વેચાણ કરવા માટે આપ્યો હોવાનું ખુલ્યું હતું.
આ મામલે પોલીસે સલમાન મિર્ઝા અને ફરાર વિશાલ ઉર્ફે હોઠ ફાટલા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65(એએ), 81 અને 116(બી) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
