ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA) દ્વારા 9 નવેમ્બરના NALSA સ્થાપના દિવસ અને દિવાળીના પર્વ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ત્રિવેણી ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત કસક સ્થિત વડીલોના ઘર, ભરૂચ જિલ્લા જેલ અને ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સ ખાતે કાનૂની જાગૃતિ શિબિર, માર્ગદર્શન અને દીપોત્સવના કાર્યક્રમો યોજાયા હતા.
કસક સ્થિત વડીલોના ઘર ખાતે વિલાયત ઔદ્યોગિક મંડળના સહયોગથી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વયોવૃદ્ધ અને નિસહાય વડીલોને વરિષ્ઠ નાગરિકો માટેની સરકારી યોજનાઓ, નિઃશુલ્ક કાનૂની સહાય અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડીલોને જીવનજરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરી ભોજન પીરસવામાં આવ્યું હતું. વડીલોના ઘરના ટ્રસ્ટી કિશોર માંગરોલા તથા સહયોગ સંસ્થાના પ્રતીક મોદી અને નીતિન મોદી ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ જિલ્લા જેલ ખાતે DLSAના માર્ગદર્શન અને પ્રયાસ સંસ્થાના સહયોગથી બંદીવાનો માટે કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેદીઓ અને તેમના પરિવારજનોને મળતી નિઃશુલ્ક કાનૂની સેવાઓ તથા NALSAની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. દિવાળીના પર્વે બંદીવાનોના જીવનમાં ઉમંગ અને આશાનું કિરણ પ્રગટાવી તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરાયો હતો. આ પ્રસંગે જેલ ઇન્ચાર્જ અધિક્ષક એન.પી. રાઠોડ, DLSAના PLV દેવાંગ ગોહિલ તથા પ્રયાસ સંસ્થાના આશિષ બારોટ અને અનિલ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સ ખાતે વિશેષ કાનૂની અને શિક્ષણ શિબિર યોજાઈ હતી. DLSAનાં PLV રશ્મિકા વડગામા અને નીતા વડગામાએ બાળાઓને કાનૂની અધિકારો, શિક્ષણ અને NALSAની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ બાળાઓ સાથે રંગોળી બનાવી અને દીવડા પ્રગટાવી દીપોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આમ, કાનૂની જાગૃતિની સાથે સમાજના વંચિત, નિસહાય અને જરૂરિયાતમંદ વર્ગો સુધી પ્રેમ, હૂંફ અને સહાય પહોંચાડવાના ઉદ્દેશ સાથે ભરૂચ DLSA દ્વારા આ સેવાકીય પહેલ કરવામાં આવી હતી.
