ભરૂચ સહિત સમગ્ર જિલ્લામાં આજે કારતક સુદ એકાદશી એટલે કે દેવઉઠી એકાદશીના પવિત્ર પર્વ નિમિત્તે વિવિધ દેવાલયોમાં તુલસી વિવાહની ધાર્મિક પરંપરા ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવી હતી. આ પાવન અવસરે મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના, શણગાર અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના શ્રી રાધા વલ્લભ મંદિર ખાતે શાલિગ્રામ ભગવાન અને તુલસીજીના વિવાહ પ્રસંગની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ સહિત તુલસી વિવાહના સુંદર દર્શનનું આયોજન કરાયું હતું. મંદિરને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ મંદિરે પહોંચીને દર્શનનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી.
હિંદુ ધર્મમાં કારતક સુદ એકાદશીનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. માન્યતા અનુસાર ચાતુર્માસ દરમિયાન યોગનિદ્રામાં રહેલા ભગવાન વિષ્ણુ આ દિવસે જાગૃત થાય છે. આ દિવસથી માંગલિક પ્રસંગો અને લગ્નસરાની શરૂઆત પણ થાય છે. તુલસી વિવાહને ભગવાન વિષ્ણુ અને માતા તુલસીના પવિત્ર લગ્નોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
