। ભરૂચ ।
ભરૂચ જિલ્લામાં દરિયાકાંઠા નિયમન વિસ્તાર (CRZ) સંબંધિત વિવિધ પ્રશ્નો અને વિકાસલક્ષી કામગીરી અંગે જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેની અધ્યક્ષતામાં જિલ્લા સ્તરીય સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચાર અલગ-અલગ એજન્ડા હેઠળ રજૂ થયેલા મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરી સંબંધિત વિભાગો પાસેથી કામગીરીની વિગતો મેળવવામાં આવી હતી.
બેઠક દરમિયાન અગાઉ 3 ઓગસ્ટ, 2026ના રોજ યોજાયેલી CRZ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને સોંપવામાં આવેલી કામગીરીના પ્રગતિ અહેવાલની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત હાંસોટ તાલુકાના કંટીયાજળ ગામે સર્વે નંબર 388 ખાતે આવેલી સરકારી ખરાબાની જમીનનો મુદ્દો પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યો હતો.
આ જમીન પૈકી કુલ 2042-89-53 ચોરસ મીટર જમીન ફાળવ્યા સિવાયની CRZ હેઠળ આવતી ઉપલબ્ધ જમીન ઔદ્યોગિક હેતુ માટે નિગમને તબદીલ કરવાની કામગીરી અંગે થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ અન્ય બે એજન્ડા હેઠળના મુદ્દાઓ પર પણ ચર્ચા કરીને જરૂરી બાબતોની સમીક્ષા કરાઈ હતી.
જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેએ CRZ સંબંધિત અન્ય રજૂઆતો અને પ્રશ્નોની પણ સમીક્ષા કરી હતી. તમામ મુદ્દાઓમાં નિયમો અને જોગવાઈઓને ધ્યાનમાં રાખીને જરૂરી કાર્યવાહી કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB), નગરપાલિકા સહિત સંબંધિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
