ભરૂચ: ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ મથકની ટીમે રહીયાદ ગામની ચોકડી નજીક વિદેશી દારૂના વેચાણ સામે કાર્યવાહી કરી રૂ.20,800ની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી કમલેશ ઠાકોરભાઈ વસાવા નામના 33 વર્ષીય શખ્સને ઝડપી પાડ્યો હતો, જ્યારે દારૂનો જથ્થો પૂરો પાડનાર કડોદરાના પંકજ ગોહિલને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.
પોલીસની ફરિયાદ મુજબ, 19 નવેમ્બરના રોજ દહેજ પોલીસની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે રહીયાદ ગામની ચોકડી પાસે એક ઇસમ વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેથી પોલીસે બે પંચોને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન કમલેશ વસાવા મળી આવતાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ પતરાની દુકાનના પાછળના ભાગે બાવળની ઝાડીમાં તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં કિંગફિશર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયરના 500 MLના 120 ટીન કિંમત રૂ.12 હજાર, મેજિક મોમેન્ટ્સ ઓરેન્જ વોડકાની 180 MLની 48 બોટલ કિંમત રૂ.4,800 અને રોયલ્સ સ્પેશિયલ પ્રીમિયમ વ્હિસ્કીની 180 MLની 40 બોટલ કિંમત રૂ.4 હજાર મળી આવી હતી.
આમ, પોલીસે કુલ 120 બિયરનાં ટીન અને 88 દારૂની બોટલ મળી કુલ 208 નંગનો રૂ.20,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસ દરમિયાન કમલેશે આ જથ્થો કડોદરા ગામના પંકજભાઈ ગોહિલ પાસેથી વેચાણ માટે લાવ્યો હોવાનું જણાવ્યું હતું.
આ મામલે દહેજ પોલીસે કમલેશ વસાવા અને વોન્ટેડ પંકજ ગોહિલ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E) અને 81 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
