ભરૂચ તાલુકાની મુદત પૂર્ણ થતી 77 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદની અનામત બેઠકોનું રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાતાં જ ગ્રામ્ય વિસ્તારોમાં આગામી પંચાયત ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો અને ચર્ચાઓ શરૂ થઈ છે.
ગુજરાત પંચાયત અધિનિયમ-1993 તથા વર્ષ 2011ની વસ્તીગણતરીના આધારે SC, ST અને સામાજિક તથા શૈક્ષણિક પછાત વર્ગ (OBC) માટે બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. OBC માટે 27 ટકા અનામતની જોગવાઈ સાથે દરેક કેટેગરીમાં મહિલાઓ માટે પણ બેઠકો અનામત રાખવામાં આવી છે.
રોટેશન મુજબ SC કેટેગરીની સામાન્ય બેઠકો પીપલીયા અને માંચમાં, જ્યારે મહિલા બેઠકો કુવાદર અને કેસરોલમાં ફાળવાઈ છે.
ST કેટેગરીની સામાન્ય બેઠકો ત્રાલસી, સીમલીયા, કારેલા, ચોલાદ, અમલેશ્વર, ભરથાણા અને વડવામાં રહેશે. જ્યારે ST મહિલા બેઠકો ભોલાવ, નંદેલાવ, હિંગલ્લા, કરગટ, બોરી, આમદડા, અડોલ, ડભાલી અને કુરલામાં ફાળવવામાં આવી છે.
તેવી જ રીતે OBC કેટેગરીની સામાન્ય બેઠકો પાલેજ, પરીએજ, પારખેત, રહાડપોર, સામલોદ, શંખવાડ, સેગવા, શુકલતીર્થ અને સિંઘોતમાં રહેશે. OBC મહિલા બેઠકો બંબુસર, દયાદરા, મહેગામ, મનાડ, મંગલેશ્વર, નાંદ, નવેઠા, નિકોરા અને પગુથણમાં ફાળવાઈ છે.
આ ઉપરાંત બિનઅનામત કેટેગરીમાં પણ સામાન્ય અને મહિલા બેઠકોનું અલગથી રોટેશન કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા જાહેરનામાની નકલ સંબંધિત ગ્રામ પંચાયતોના નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવા સૂચના આપવામાં આવી છે. હવે અનામત બેઠકોની જાહેરાત બાદ અનેક ગામોમાં સરપંચ પદના સંભવિત ઉમેદવારો અને રાજકીય સમીકરણોને લઈને ચર્ચાઓ તેજ બનવાની શક્યતા છે. ખાસ કરીને જે ગામોમાં બેઠકનું રોટેશન બદલાયું છે ત્યાં નવા ચહેરાઓને તક મળવાની સંભાવનાઓ ઊભી થઈ છે.
