ભરૂચ :
સોશિયલ મીડિયામાં દેણવા-ડોલિયા મેજર બ્રિજ અંગે પ્રસિદ્ધ થયેલા ‘ભરૂચમાં 9 વર્ષે બનેલો રૂ.66 કરોડનો બ્રિજ 100 દિવસ પણ ન ટક્યો! હવે સમારકામ માટે વધુ રૂ.15 કરોડનો ખર્ચ’ શીર્ષક હેઠળના સમાચાર સત્યથી વેગળા હોવાનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. વિભાગના જણાવ્યા મુજબ 720 મીટર લાંબો અને 11 મીટર પહોળો આ બ્રિજ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેના મુખ્ય સ્ટ્રક્ચરમાં કોઈ નુકસાન થયું નથી.
વિભાગના જણાવ્યા અનુસાર દેણવા તરફના એપ્રોચ રોડમાં નદીના પ્રવાહના ફેરફારને કારણે ધોવાણ થતાં માટીના પાળામાં સેટલમેન્ટ અને સામાન્ય તિરાડ સર્જાઈ હતી. જોકે, આ તિરાડ મુખ્ય બ્રિજમાં નહીં પરંતુ બ્રિજથી આશરે 10 મીટર દૂર આવેલા એપ્રોચ રોડમાં હતી, જેનું તાત્કાલિક સમારકામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા કેટલાક ફોટોગ્રાફ AI જનરેટેડ હોવાનું પણ વિભાગે જણાવ્યું છે.
વધુમાં જણાવાયું છે કે આ બ્રિજનું આયોજન વર્ષ 2017માં કરવામાં આવ્યું હતું. તે સમયે ઢાઢર નદીનો પટ આશરે 720 મીટર હતો. વર્ષ 2019 અને 2023માં ભારે વરસાદના કારણે આવેલા પૂરને પગલે નદીના પ્રવાહની દિશામાં ફેરફાર થયો હતો. વર્ષ 2018માં ડોલિયા તરફ વહેતો પ્રવાહ વર્ષ 2022થી 2026 દરમિયાન ક્રમશઃ દેણવા તરફ ફંટાયો હતો. પરિણામે દેણવા તરફ નદીના પટની પહોળાઈ 720 મીટરથી વધીને 750 મીટર થઈ હતી. જેના કારણે બ્રિજના એબટમેન્ટ-1 નજીક ધોવાણ થતાં એપ્રોચ રોડને નુકસાન પહોંચ્યું હતું.
બ્રિજની કામગીરી પૂર્ણ થયા બાદ તા.23 ઓગસ્ટ 2026ના રોજ તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જોકે, વધેલા નદીના પટને ધ્યાનમાં રાખીને દેણવા તરફ બ્રિજને વધુ 30 મીટર લંબાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ વધારાની કામગીરી હાથ ધરાય ત્યાં સુધી માટીનો પાળો બનાવીને નાના વાહનો માટે રસ્તો ખુલ્લો રાખવામાં આવ્યો છે.
ભારે વાહનો માટે ત્રણ મહિનામાં માર્ગ ખુલ્લો કરવાનું આયોજન
દેણવા તરફના કામચલાઉ માટીના પાળા પરથી ભારે વાહનો પસાર થાય તો પાળો બેસી જવાની અથવા વધુ ધોવાણ થવાની શક્યતા હોવાથી તકેદારીના ભાગરૂપે ભારે વાહનોની અવરજવર પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. વધારાના 30 મીટરના સ્ટ્રક્ચરની કામગીરી મંજૂર થયા બાદ આશરે ત્રણ મહિનામાં ભારે વાહનો માટે પણ માર્ગ ખુલ્લો કરવાનો વિભાગનો પ્રયાસ છે.
24 ગામોની 54 હજારથી વધુ વસ્તીને સીધો લાભ
સ્થાનિક લોકો અને જનપ્રતિનિધિઓની રજૂઆતને પગલે દહેજ GIDC અને આમોદ તરફ અપડાઉન કરતા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો માટે માર્ગ ખુલ્લો રાખવામાં આવ્યો છે. ડોલિયા, નાડા, દેવલા, ભડકોદરા, ટંકારીયા, ઇસ્લામપુર, દેણવા, મછાસરા, દહેજ અને આછોદ સહિત કુલ 24 ગામોની અંદાજે 54,785ની વસ્તીને તેનો લાભ મળી રહ્યો છે. આ માર્ગથી દરરોજ અવરજવર કરતા આશરે 2,000 ટુ-વ્હીલર અને 800 ફોર-વ્હીલર વાહનચાલકોને 26 કિલોમીટરનો ફેરાવો બચી રહ્યો છે. વિભાગ દ્વારા બ્રિજ અને એપ્રોચ રોડનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હોવાનું પણ જણાવાયું છે.
