ભરૂચ: ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 11માં આવેલા કંસારાવાડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. એક તરફ પીવાના પાણીનું અનિયમિત વિતરણ અને ઓછું પ્રેશર, તો બીજી તરફ સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી રાત્રિના સમયે સમગ્ર વિસ્તારમાં અંધકાર છવાઈ જાય છે. વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતાં રહીશોએ આખરે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે.
સ્થાનિક રહીશ સટીક મનીષ કંસારાના જણાવ્યા મુજબ, વિસ્તારમાં સાંજના સમયે પાણીનું વિતરણ સંપૂર્ણપણે બંધ રહે છે. જ્યારે સવારે પણ ખૂબ જ ઓછા ફોર્સથી પાણી મળતું હોવાથી રોજિંદા ઘરકામ માટે પૂરતું પાણી મળતું નથી. ઘણીવાર કોઈ પૂર્વ સૂચના વિના પાણી કાપ મૂકી દેવાતાં ગૃહિણીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
બીજી તરફ, વિસ્તારમાં અગાઉ સમારકામ માટે ઉતારી લઈ જવામાં આવેલી સ્ટ્રીટ લાઈટો આજદિન સુધી ફરી લગાવવામાં આવી નથી. પરિણામે સાંજ પડતાં જ રસ્તાઓ પર અંધકાર છવાઈ જાય છે. જેના કારણે વૃદ્ધો, મહિલાઓ અને વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે. સાથે જ અસામાજિક તત્ત્વોનો ભય પણ સતાવી રહ્યો છે.
રહીશોનો આક્ષેપ છે કે આ બંને સમસ્યાઓ અંગે અગાઉ અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
આખરે રહીશોએ ચીફ ઓફિસરને રજૂઆત કરી સવાર-સાંજ પૂરતા ફોર્સથી નિયમિત પાણી વિતરણ કરવાની અને બંધ પડેલી સ્ટ્રીટ લાઈટો તાત્કાલિક ફરી શરૂ કરવાની માંગ કરી છે. વેરો ભરવા છતાં પાયાની સુવિધાઓ માટે પાલિકા કચેરીના ધક્કા ખાવા પડતા હોવાની લાગણી સાથે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
