ભરૂચ: અંકલેશ્વરના અમરતપુરા નજીક નેશનલ હાઇવે નંબર-48 પર આવેલી હોટલ બેન્સનના કંપાઉન્ડમાં ચૌધરી ટેલર્સના નામે દરજીની દુકાન ચલાવતા શખ્સ દ્વારા નશાકારક પદાર્થોનું છૂટક વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે ભરૂચ SOGએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં રાજસ્થાનના મૂળ વતની અને હાલ અંકલેશ્વરમાં રહેતા 43 વર્ષીય ખીયા ભૈરારામ ચૌધરીને પોસડોડા અને અફીણના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
SOGના ASI વરસનભાઈ શંકરભાઈને બાતમી મળી હતી કે અમરતપુરા ખાતે હોટલ બેન્સનના કંપાઉન્ડમાં આવેલી દુકાન નંબર-5માં ચૌધરી ટેલર્સના નામે દુકાન ચલાવતો ખીયા ભૈરારામ ચૌધરી અફીણ સહિતના નશાકારક પદાર્થોનો જથ્થો લાવી ગુપ્ત રીતે છૂટક વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસ અધિકારીઓએ પંચો, ફોટોગ્રાફર અને વજનકાંટાવાળાને સાથે રાખી દરોડાનું આયોજન કર્યું હતું.
પોલીસની પ્રાથમિક ફરિયાદ મુજબ, આરોપી પાસેથી 9.959 કિલોગ્રામ પોસડોડા ઓપિયેટ, જેની કિંમત રૂ.1,49,385 થાય છે, જ્યારે 258 ગ્રામ અફીણ ઓપિયેટ, જેની કિંમત રૂ.1,29,000 થાય છે, તે મળી આવ્યું હતું. આ ઉપરાંત રૂ.15 હજારનો એક મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો.
આમ, પોલીસે કુલ રૂ.2,93,385નો મુદ્દામાલ જપ્ત કરી ખીયા ભૈરારામ ચૌધરીની અટકાયત કરી હતી. પ્રાથમિક વિગતોમાં રાજસ્થાનના બાલોતરા શહેરમાં રહેતા મુલારામ પાસેથી પોસડોડાનો જથ્થો મેળવ્યો હોવાનું સામે આવ્યું છે. મુલારામનું પૂરું નામ હજુ જાણવા મળ્યું નથી.
પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી નશાકારક પદાર્થોનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને વેચાણ કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
