રાજપીપળામાં ગંદકી અને કચરાની સમસ્યા મોટાભાગનાં વિસ્તારોમાંથી વારંવાર આવતી હોય છે. ત્યારે વણકર વાડ શાકમાર્કેટ પાસે આવેલ કચરા પેટી હટાવવા આસપાસનાં રહીશોએ અનેકવાર રાજપીપળા નગરપાલિકામાં રજૂઆતો કરી હોવા છતાં તેમની સમસ્યાનું કોઈ નિવારણ આવતું નથી. કચરાપેટીમાં આડેધડ લોકો કચરો ઠાલવી જાય છે ઉપરાંત ઢોરો આખો દિવસ ત્યાં ગંદકી ફેલાવે છે. ઉપરાંત કેટલીક વાર ત્યાં એટલો કચરો ભેગો થઈ જાય છે કે અતિશય કચરા અને દુર્ગંધને કારણે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બને છે. ત્યારે આસપાસનાં રહીશો ગંદકી અને દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજપીપળા પાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં ત્યાંથી કચરાપેટી ન હટાવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. કચરાપેટી કાયમી હટી જાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. સ્થાનિક રહીશ અમિતા બેન જણાવે છે કે આસપાસની બધી કચરાપેટી બંધ થઈ જતા બધો કચરો અહીંયા લોકો નાખે છે. વારંવાર રજૂઆતો કરી છે છેલ્લા દસ વર્ષથી અમે આ કચરાપેટી હટાવવા માંગ કરી રહ્યા છે. ગાંધીનગર સુધી આ બાબતે રજુઆત કરી છે આરોગ્ય વિભાગમાં પણ રજુઆત કરી છે છતાં પાલિકા આ બાબતે ધ્યાન આપતી નથી. ગંદકીનાં કારણે છાસવારે લોકો માંદા પડે છે અમારા સ્વાસ્થ્ય સામે મોટું જોખમ છે. જો કચરાપેટી ન હટાવો તો પછી અમે પોતે અહીંયા બેસી જઈએ કચરો અમારી ઉપર નાખો તેમ કહી રોષ વ્યકત કર્યો હતો. ઉપરાંત એક તરફ કોરોના સામે રક્ષણ માટે સરકાર આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા જણાવે છે પણ અહીંયા ગંદકીનાં કારણે અમારું આરોગ્ય જોખમાય છે તેનું શું જેવા વેધક સવાલો કર્યા હતા. વોર્ડ નં ૧ ના પાલિકા સભ્ય સલીમભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે જ્યારનો હું ચૂંટાયો છું ત્યારનું આ કચરાપેટી બાબતે પાલિકામાં રજૂઆતો કરી છે પણ કોઈ જ નિરાકરણ આવ્યું નથી જલ્દીથી આ કચરાપેટી હટે તેવી તેમને માંગ કરી હતી.
રિપોર્ટર, આરીફ જી કુરેશ રાજપીપળા, નર્મદા
રાજપીપળાનાં વણકર વાડ પાસે આવેલ કચરા પેટી હટાવવા રહીશોની માંગ અતિશય દુર્ગંધ અને ગંદકીનાં કારણે આસપાસનાં રહીશોનાં માથે સ્વાસ્થ્યનું જોખમ.
Advertisement