કરજણ તાલુકાના સોમજ – દેલવાડાની સીમમાંથી વન વિભાગ દ્વારા વધુ એક દીપડો રેસક્યુ કરાયો હતો. મળતી માહિતી અનુસાર છેલ્લા કેટલાય મહિનાઓથી કરજણ તાલુકાના દેલવાડા-સોમજ ગામની આજુબાજુ વિસ્તારમાં અને ગામલોકોને હેરાન પરેશાન કરી મુકનાર એક દીપડાનું દસ દિવસ પહેલા જ વન વિભાગ દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગામલોકોએ હાશકારો અનુભવ્યો હતો.
પરંતુ ગામલોકોના કહેવા પ્રમાણે થોડા દિવસો પસાર થયા બાદ પુનઃ એક દીપડો દેખા દેતાં અને તેને એક બકરીનું મારણ કરતાં ગામ લોકો હેબતાઈ ગયા હતાં અને કરજણ વન વિભાગને જાણ કરી હતી. જેના પગલે બે દિવસ પહેલા દેલવાડા – સોમજ ગામની સીમમાં આતંક મચાવતાં દીપડાને રેસ્ક્યુ કરવા વન વિભાગ દ્વારા પાંજરૂ મૂકી પકડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જે આજરોજ વધુ એક દીપડો પાંજરે પુરાતાં તંત્રએ અને ગામલોકોએ રાહતનો દમ લીધાનું જાણવા મળે છે. પાંજરે પુરાયેલા દીપડાને તંત્ર દ્વારા વન વિભાગના રેસ્ક્યુ સેન્ટરે છોડવાની તજવીજ હાથ ધરી છે. પાંજરે પુરાયેલા દીપડાને જોવા લોક ટોળાં ઉમટી પડ્યા હતાં.
યાકુબ પટેલ, કરજણ