આઝાદીના અમૃત મહોત્સવ પર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પગલે મેરી માટી, મેરા દેશ અભિયાનનો દેશવ્યાપી શુભારંભ થયો છે. ત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વાસણા ઇયાવા ગામે અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે. અને જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં શહીદ સુરક્ષા જવાનોના પરિજનોના સન્માન સાથે મહાઅભિયાનનો જિલ્લાવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ સમારંભમાં ઉપસ્થિત સૌએ હાથમાં માટી રાખીને પંચ પ્રણની પ્રતિજ્ઞા લીધી હતી. વાસણા-ઇયાવા ગામના અમૃત સરોવર પર નિર્મિત અમૃતવાટિકા ખાતે ગામના શહીદોની સ્મૃતિમાં નિર્મિત શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવો સહિત ઉપસ્થિત યુવાનો અને ગ્રામજનો દ્વારા શિલાફલકમ સાથે સેલ્ફી લીધી હતી. તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અત્રે આંગણવાડીની બાલિકાઓએ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.
આ નિમિત્તે ગામના જુના સ્મશાનમાં વધારાના ૫૦૦ વૃક્ષો અને ગામમાં અન્ય સ્થળે ૭૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ગામની પ્રાથમિક શાળાના પ્રાંગણમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં શહીદોના પરિવારજનો અને નિવૃત સુરક્ષા જવાનોના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યા બાદ ઉપસ્થિત સહુએ રાષ્ટ્રગીતના ગાન સાથે સલામી અર્પી હતી.
આ પ્રસંગે નાયબ જિલ્લા પોલીસવડા બી. એમ. વ્યાસ, સાણંદ પ્રાંત અધિકારી અમદાવાદ જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય, તલાટી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.