Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વરમાં ગુંજ સોશિયલ ગૃપ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવ યોજાયો.

Share

દેશભરમાં બુલડોઝર અને લાઉડસ્પીકરના વિવાદ વચ્ચે અંકલેશ્વરમાં રવિવારે એક ધ્યાનાકર્ષક અને સરાહનીય ઘટનાએ આકાર લીધો હતો. ગુંજ સોશ્યિલ ગ્રુપ નામના એક સામાજિક સંગઠને સતત છઠ્ઠીવાર સર્વજ્ઞાતિય 51 જોડાના સમૂહલગ્નો કરાવવાનો શ્રેય લીધો. વર-કન્યાવાળાઓ પાસેથી એકપણ રૂપિયો લીધા વગર તેમના લગ્નો કરાવી આપી, મબલખ કરિયાવર આપી, વરઘોડા કાઢી, પ્રસાદી જમાડી, વર કન્યાને સંતોના આશીર્વાદ અપાવી વિદાય આપતાં આ NGO ની નોંધ અવસ્ય લેવાવી જોઈએ.

આજની મોંઘવારીમાં ગરીબ પરિવાર માટે દીકરા કે દીકરીના લગ્નનો પ્રસંગ એટલે જીવનભરની બચતનો નાશ. પછી માં બાપ ઠનઠન. કેટલાક તો દેવું કરીને સંતાનોને ગૃહસ્થ જીવનમાં થાળે પાડે. આવા કપરા સમયે જરૂરિયાતમંદ માટે આશાનું માત્ર કિરણ નહીં પરંતુ સામેથી કરિયાવર આપી દીકરીનું ઘર ભરી આપી, બાપની ઈજ્જતને બચાવી લેતી સંસ્થાનો સધીયારો કોઈ પણ ગરીબ પરિવાર માટે દિવ્ય અનુભૂતિ કરાવતો કોઈ ચમત્કાર જ કહી શકાય. આવું દિવ્ય કામ કરીને અત્યારસુધી 300 થી વધુ દીકરીઓને સાસરે વળાવવાનું શ્રેય ગુંજ સોશ્યિલ ગ્રુપને ફાળે જાય છે, જેના પ્રેરણાસ્તોત્ર જ એક સંત છે!!.. સંતશ્રી ગંગાદાસ બાપુ. અંકલેશ્વરના રામકુંડ તીર્થના મહંત એવા શ્રી ગંગાદાસબાપુની પ્રેરણાથી શરૂ થયેલી આ સંસ્થાએ આખા પંથકમાં એવી સુવાસ રેલાવી છે કે આવતા વર્ષના આયોજનના બુકિંગ આજથી કરાવવા હોડ લાગે છે. સંસ્થાના પ્રમુખ સુધીરભાઈ ગુપ્તા બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિ છે જે અંકલેશ્વર નગરપાલિકાના સત્તા પક્ષના નેતા, વ્યવસાયે બિલ્ડર ઉપરાંત મળવા જેવા માણસ છે. લાગણી, ઉદારતા અને માણસાઈ. આ ત્રિવેણી સંગમ જોવો – અનુભવવો હોય તો એકવાર આ ગુંજના પ્રમુખ તથા ગુંજ પરિવારના સભ્યોને મળવું પડે. ( જેમ કે ગણેશ અગ્રવાલ, પિયુષ પટેલ, ધર્મેશ ચાવડા, સંદીપ પટેલ, સંજય ભટ્ટ… વગેરે ) આપણે એક પ્રસંગ પાર પાડતા હાંફી જઈએ છે ત્યારે આ સંસ્થા કઈ રીતે સતત સફળતા મેળવે છે એ પણ જાણવું જોઈએ. સંસ્થા પાસે, નીચે મોંઢે સોંપાયેલી જવાબદારી બખૂબી અદા કરનાર કાર્યકરોની કમી નથી. આર્થિક સહયોગ માટે ખુલ્લા હાથે દાન આપનાર દાતાઓની કમી નથી. કોઈ એકાદ જ્ઞાતિ કે ધર્મના વાડામાં બંધાયેલી સંસ્થા નથી. ( પ્રથમ વર્ષે તો બે મુસ્લિમ જોડાના નિકાહ પણ એક જ માંડવે કરાવેલા!!!) શુદ્ધ ભાવનાને સેવાનું લક્ષ હોય ત્યાં સહયોગ આપનારા શોધતા આવતા હોય છે. સેવાનો જાણે યજ્ઞ યોજાતો હોય તેવા માહોલમાં પ્રસંગો પાર પડે છે. સેવાની ઊંચાઈ તો ત્યારે સામે આવે છે જયારે ખબર પડે કે ત્યાં ટેમ્પો લઈને સામાન ઉતારવા આવેલો શ્રમિક મજૂરી નથી લેતો અને જણાવે કે મને પણ તમારી આ નિસ્વાર્થભાવની સેવામા શ્રમનું યોગદાન આપવા દો. પૈસા ચૂકવીને લજાવશો નહીં!!!..

કોઈની દીકરીને કોઈના નાણાં, બધુ ઈશ્વરીય આયોજન હોય તેમ સતત પ્રસંગો પાર પડતા જાય છે. સંસ્થા દ્વારા જ અપાતા પાનેતરમાં શોભતી અજાણી દીકરીના માથે હાથ મૂકી આશીર્વાદ આપનારા તો ધન્ય છે જ પરંતુ એ પાનેતર ધારણ કરેલી દીકરીના સંતોષના અહેસાસ કરાવતા અને એકી સાથે એક જ માંડવે પ્રગટતા 102 સ્મિતભર્યા ચહેરા. આયોજકોને બીજા વર્ષે પણ આવું આયોજન કરવાની પ્રેરણા આપે છે. આંતરિક સુખના આધ્યાત્મિક અનુભવ વગર કોઈ આવી જવાબદારી નિભાવે ખરું?? અને તેય આજના જમાનામાં???.આથી જ આવી સંસ્થાને બિરદાવવી જોઈએ.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાનાં પાલેજ ગામે કોરોના મહામારી અંતર્ગત પાલેજ ગ્રામ પંચાયત દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

વડોદરા : ધી સાંસરોદ હાઈસ્કૂલ સાંસરોદ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ઉમધરા નજીક બે મોટરસાયકલ અથડાતા એક ઇસમને ઇજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!