આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકાના ટીડીઓને પોલીસે સમન્સ પાઠવ્યાં
પોલીસ તપાસના ધમધમાટથી કૌભાંડીઓમાં ફફડાંટ, ધરપકડ પહેલાં જામીન મેળવવા દોડધામ
। ભરૂચ ।
ભરૂચ જિલ્લાના હાંસોટ, જંબુસર અને આમોદ તાલુકામાં મનરેગા યોજના હેઠળ રોડ રસ્તાના થયેલાં કામોમાં વેરાવળની બે એજન્સીઓ મુરલીધર એન્ટરપ્રાઈઝ અને જલારામ એન્ટરપ્રાઈઝ દ્વારા ૭.૩૦ કરોડની ખાયકી કર્યાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ત્યારે પોલીસની તપાસનો ધમધમાટ પણ શરુ થઈ ગયો છે. તપાસ દરમિયાન પોલીસનો હાથ પોતાના ગિરેબાન પર ન આવે તે માટે કૌભાંડમાં સંડોવાયેલાં અધિકારીઓ-કર્મચારીઓમાં ફફડાંટ ફેલાયો છે. સુત્રોમાંથી જાણવા મળ્યાનુંસાર કેટલાંક આગોતરા જામીન મેળવવા દોડધામ કરી રહ્યાં છે.
દાહોદ બાદ ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવતાં ભારે ચકચાર જાગી છે. વેરાવળની બે એજન્સીઓ જલારામ એન્ટરપ્રાઈઝ અને મુરલીધર એન્ટરપ્રાઈઝ દ્વારા મનરેગા યોજના હેઠળ હાંસોટ, જંબુસર અને આમોદ તાલુકામાં આવેલાં ૫૯ ગામોમાં રોડ રસ્તાના કામોમાં કુલ ૭.૩૦ કરોડની ખાયકી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલામાં તબક્કાવાર રીતે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસનો રેલો પોતાના તરફ આવવાની ભિતીને લઈને કૌભાંડીઓમાં ફફડાટ ફેલાયો છે. તેમજ પોલીસ પકડથી બચવા માટે આગોતરા જામીન મેળવવા દોડધામ કરી રહ્યાં હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. કૌભાંડ આચરતી વખતે જે રાજકિય નેતાઓનું પિઠબળ હતું તેમને હવે આ આપદામાંથી બહાર કાઢવા રાજક્રિય દબાણ લાવવા કે કોઈ રીતે પોતાના નામો કઢાવી નાંખવા માટે એકાંતમાં ગુફ્તગુ થઈ રહી હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
પોલીસે હાલમાં ત્રણેય તાલુકાના ટીડીઓને સમન્સ બજાવવાની કવાયત હાથ ધરવામાં આવી રહી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. બીજી તરફ જે તે સમયે રોડ રસ્તાના કામો થઈ ગયાં બાદ થયેલાં પંચનામાં પંચ તરીકે સહિઓ કરનારાઓના પણ નિવેદન લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં તેઓએ કેવા સંજોગોમાં સહિઓ કરી હતી તેની વિગતો મેળવવા સાથે પંચમાં સહી કરવા સબબ જે તે અધિકારી કે એજન્સી દ્વારા તેમની સાથે નાંણાકિય વ્યવહાર કર્યો હતો કે કેમ તેની વિગતો મેળવવામાં આવશે.
કામનું નિરીક્ષણ કરનારા અધિકારીઓની લોગબુકની તપાસ જરૂરી બન્ને એજન્સીઓ દ્વારા રસ્તાના કામોના બીલ મુકવામાં આવ્યાં ત્યારે તેમના કામનું સમય સમય પર નિરીક્ષણ કરવામાં આવ્યું હોવાનું અને વિઝિટ કરી હોવાનું દર્શાવનારા અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા તેમની લોગબુકની પણ તપાસ થવી જરુરી બની છે. તેઓએ ઓફિસમાં બેઠાં બેઠાં જ વિઝિટ બતાવીને પોતાની લોગબુક ભરી છે કે કેમ તેની પણ તપાસ થવી જરૂરી બની છે. ભરૂચ જિલ્લા પંચાયતમાં કેટલાંક અધિકારીઓ ઓફિસમાં આવતાં જ નથી અને ફકત સાઈટ વિઝિટ બતાવતાં હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
