Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બંબુસર વિસ્તારમાં હાઈ-ટેન્શન લાઈન મુદ્દે ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો, તંત્ર સામે ગંભીર આક્ષેપ

Share

ભરૂચ:
ભરૂચ જિલ્લાના બંબુસર ગામ તેમજ આજુબાજુના વિસ્તારોમાં પાવરગ્રીડ અને જેટકો દ્વારા ચાલી રહેલા હાઈ-ટેન્શન વીજ લાઈનના કામ સામે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, તેમની ખેતીની જમીનમાંથી વીજ લાઈનો પસાર કરવા માટે કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના કામ શરૂ કરવામાં આવ્યું છે, જે તેમના હક્કો પર આઘાત સમાન છે.

ખેડૂતોએ જણાવ્યું કે, કોઈપણ પ્રકારની લેખિત જાણકારી, સંમતિ કે ચર્ચા વિના તેમની જમીનમાં સીધું કામ શરૂ કરી દેવાયું છે. જેના કારણે ખેતી, જમીન મૂલ્ય અને ભવિષ્યની આવકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ મુદ્દે અનેક વખત અરજી કરવા છતાં યોગ્ય જવાબ મળતો ન હોવાનું ખેડૂતોનું કહેવું છે.

Advertisement

ખેડૂતોનો આક્ષેપ છે કે, કલેક્ટર કચેરીમાં રજૂ થયેલી અરજીઓની નકલ અસરગ્રસ્ત ખેડૂતો સુધી પહોંચતી નથી, જેના કારણે તેઓ પોતાની વાત યોગ્ય રીતે રજૂ કરી શકતા નથી. અનેક કેસોમાં સુનાવણી કર્યા વગર જ એકતરફી નિર્ણય લેવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

બંબુસરના ખેડૂતોએ વધુમાં જણાવ્યું કે, સુનાવણીની જાણકારી સમયસર આપવામાં ન આવતાં તેઓ હાજર રહી શક્યા નહોતા, જે ન્યાયપ્રણાલીની પારદર્શિતા પર સવાલ ઊભો કરે છે. કેટલાક કિસ્સાઓમાં ખોટા અથવા ભ્રામક અહેવાલોના આધારે નિર્ણય લેવાયા હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

ખેડૂતોનું કહેવું છે કે તેઓ વિકાસના વિરોધમાં નથી, પરંતુ વિકાસ ખેડૂતોના હક્કો છીનવી લે તે સ્વીકાર્ય નથી. તેમની માંગ છે કે સમગ્ર પ્રક્રિયા પારદર્શક બનાવવામાં આવે, ખેડૂતોને પૂરતું સાંભળવામાં આવે અને વળતર સહિતના તમામ કાયદાકીય હક્કો સુનિશ્ચિત કરવામાં આવે.

ખેડૂતોએ ચીમકી આપી છે કે, જો તંત્ર દ્વારા તેમની માંગણીઓ પ્રત્યે ગંભીરતા નહીં દાખવાય, તો આવનારા સમયમાં આ મુદ્દે વ્યાપક આંદોલન હાથ ધરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.


Share

Related posts

આદિજાતિ વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર ભાજપ સરકારનો ભેદભાવપૂર્ણ હુમલો : સંદીપ માંગરોળા

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના ચોરંદા ગામમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વડોદરામાં એડવોકેટ એક્ટમાં થયેલા સુધારાને કેન્દ્રએ પાસ કરતાં વકીલોએ ગેઝેટની હોળી કરી વિરોધ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!