આમોદ અને જંબુસરને જોડતા નેશનલ હાઈવે નંબર 64 પર શરૂ કરાયેલ રોડ અને ગટર સંબંધિત કામગિરી માત્ર બે દિવસ ચાલ્યા બાદ અચાનક બંધ થઈ જતા સ્થાનિકોમાં ભારે રોષ અને અસંતોષ ફેલાયો છે. લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલા આ મુખ્ય માર્ગ પર તાજેતરમાં ખોદકામ કરી ગટરો તોડી અને રોડને લગતી કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ કામ અધૂરું રાખી દેતા હાલ પરિસ્થિતિ વધુ જોખમી બની ગઈ છે. ખુલ્લી ગટરો અને તૂટેલા માર્ગને કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ખાસ કરીને રાત્રિના સમયે ગંભીર અકસ્માતની ભીતિ વધી ગઈ છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ખોદકામ બાદ ગટરો યોગ્ય રીતે પુરાઈ નથી અને ખોદાયેલી માટી રોડ પર જ નાખી દેતા માર્ગ વધુ સંકુચિત બની ગયો છે. પહેલેથી જ મોટા ખાડા, ઉડતી ધૂળ અને બિસ્માર સર્વિસ રોડને કારણે લોકો લાંબા સમયથી મુશ્કેલી વેઠી રહ્યા હતા, ત્યારે અધૂરી કામગીરીએ હાલાકી વધારી છે. બહારગામથી આવનારા વાહનચાલકોને પરિસ્થિતિની પૂરતી જાણ ન હોવાને કારણે જોખમ વધુ વધી ગયું છે.
ડિવાઈડર પાસે ચાલી રહેલી ગટર લાઇનની કામગીરી દરમિયાન ડિવાઈડરના ભાગોને તોડી નાખવામાં આવતા ઊંચા સરીયા બહાર નીકળી ગયા છે અને તૂટેલા બ્લોક્સ રસ્તા પર જ પડ્યા હોવાથી માર્ગ સાંકડો બની ગયો છે. કોઈ ચેતવણી બોર્ડ, રેડિયમ પટ્ટી કે સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે અજાણ મુસાફરો માટે અકસ્માતની ભીતિ વધુ વકરી ગઈ છે. સ્થાનિકોના કહેવા મુજબ, કામગીરી દરમિયાન સુરક્ષાના ન્યૂનતમ ધોરણો પણ પાલન કરવામાં આવ્યા નથી.
સ્થાનિકોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું બે દિવસની આ કામગીરી માત્ર દેખાડો જ હતી? ગત દિવસો પેહલા એસટી ડેપો ના ઉદ્ઘાટન સમારોહમાં મંત્રીના આગમન પહેલા કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે લોકો વર્ષોથી સમસ્યાઓ સહન કરતા હોવાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે. લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલા માર્ગ માટે ફંડ ફાળવાયાની વાતો છતાં સ્થિતિ યથાવત રહેતા નાણાં ક્યાં વપરાઈ રહ્યા છે તે અંગે સવાલો ઊભા થયા છે. લોકોની માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તાત્કાલિક કામગીરી ફરી શરૂ કરી માર્ગને સુરક્ષિત અને વાહનવ્યવહાર માટે યોગ્ય બનાવવામાં આવે.
