ભરૂચ.
ભરૂચ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, કસક ગોલ્ડન બ્રીજ પાસે રહેતો વિશાલ ઉર્ફે હોઠ ફાટલો ઠાકોર પરમાર બર્ગમેન મોપેડ પર વિદેશીદારૂ ભરેલી બે ટ્રોલી બેગ લઇને જવાનો છે જેના આધારે ટીમ શિતલ સર્કલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં વિશાલ ઉર્ફે હોઠ ફાટલો ત્યાં આવતાં ટીમે તેને ઝડપી પાડી તેની પાસેની ટ્રોલી બેગ તપાસ કરતાં તેમાંથી કુલ 91 હજારથી વધુની માત્રાનો વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેના પગલે ટીમે તેની પાસેથી વિદેશીદારૂ તેમજ મોપેડ મળી કુલ 1.41 લાખથી વધુની મત્તાનો મુદ્દમાલ જપ્ત કર્યો હતો. ટીમની પ્રાથમિક પુછપરછમાં વલસાડની રૂબિના નામની મહિલા સપ્લાયર પાસેથી વેચાણ કરવાના ઇરાદે તેણે વિદેશીદારૂનો જથ્થો મેળવ્યો હોવાની કબુલાત કરી હતી. નોધનીય છે કે, વલસાડની રૂબિના ભરૂચ શહેરના ઇન્દિરાનગર ઝૂપડપટ્ટી વિસ્તારમાં વિદેશીદારૂનો વેપલો કરતાં દિનેશ ઉર્ફ બબુલને પણ દારૂનો સપ્લાય કરે છે તેવી નોંધ દિનેશ ઉર્ફે બબુલ પર થયેલી ફરિયાદોમાં નોંધાયેલું છે. વલસાડની રૂબિના રેલવે મારફતે દારૂનો જથ્થો લાવી આપતી હતી. બુટલેગરો રેલવે પરિસરમાંથી દારુ લાવતાં હોવાનું પણ ઘણી ફરિયાદોમાં નોંધાયેલું હોવાથી રેલવેમાર્ગ થકી જ આ બૂટલેગરો દારૂની હેરાફેરી કરતાં હોવાનું જણાઇ રહ્યું છે. ત્યારે દારૂના હેરાફેરીના આખા રેકેટ પર સ્થાનિક અને રેલવે પોલીસ દ્વારા અંકુશ લાવી શકાતો ન હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઇ રહ્યું છે.
