ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના રહાડ-વછનાદ માર્ગ પરથી એક યુવાનનો હાથ-પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા અને સ્પા વ્યવસાય સાથે સંકળાયેલા કૃણાલ પટેલ તરીકે થઈ હતી.
મળતી માહિતી મુજબ કૃણાલ પટેલ છેલ્લા કેટલાક દિવસોથી ગુમ હતા અને તેમના ગુમ થવા અંગે ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અજાણ્યા શખ્સોએ કૃણાલ પટેલના હાથ-પગ બાંધી ગળે ટુંપો આપી તેમની હત્યા કરી હોવાની આશંકા છે. હત્યા બાદ મૃતદેહને વાગરા નજીક લાવી ફેંકી દેવાયો હોવાની શક્યતા પોલીસ સૂત્રોએ વ્યક્ત કરી છે. વાગરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. હત્યાનું ચોક્કસ કારણ શું હતું, કોણ સંડોવાયેલા છે અને સમગ્ર ઘટનાક્રમ શું છે તે જાણવા માટે પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ તેજ બનાવવામાં આવી છે.
