ભરૂચ શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો.પ્રવીણ તોગડિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાય હતી. દર મંગળવાર તથા શનિવારે હનુમાન ચાલીસાના પાઠ થાય તેવા કેન્દ્રો શરૂ કરવા લોકોને આહ્વાન કરાયું હતું.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (AHP)ના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાએ ભરૂચની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ હિન્દુ સુરક્ષા અને સમૃદ્ધિના મુદ્દાઓ પર ભાર મુકતા અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરી હતી. ખાસ કરીને તેઓએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ સહિતના સંગઠનો દ્વારા હનુમાન ચાલીસા કેન્દ્રોનું અભિયાન તેજ બનાવવાનું આહ્વાન કર્યું હતું. ડો. પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે, પ્રત્યેક ગામ અને વિસ્તારમાં દર મંગળવાર તથા શનિવારે સાંજે હનુમાન ચાલીસાના પાઠ થાય તેવા કેન્દ્રો શરૂ કરવામાં આવશે. દેશભરમાં અત્યારે આવા હજારો કેન્દ્રો કાર્યરત છે, અને હવે ભરૂચમાં પણ તેની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવામાં આવશે. આ કેન્દ્રો હિન્દુ સમાજની સુરક્ષા, સમૃદ્ધિ અને સન્માન જાળવવામાં પાયાની ભૂમિકા ભજવશે. તેમના મતે, આ કાર્ય હિન્દુ સમાજમાં જાગૃતિ લાવવાનું અને લોકોને પોતાની સંસ્કૃતિ તથા મૂળ સાથે જોડી રાખવાનું સબળ માધ્યમ સાબિત થશે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (AHP)ના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાની ભરૂચ મુલાકાત દરમ્યાન મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…
