ભરૂચના કારેલા ગામ પાસેની ઘટના
ભરૂચ.
તામીલનાડુના તિરુપુર ખાતે રહેતો પ્રભુ કર્પસ્વામી શ્રી શક્તી રોડ લાઇન્સમાં ટ્રક ડ્રાઇવર તરીકે નોકરી કરે છે તે ગત 7મી ફેબ્રુઆરીએ સાંજના ચારેક વાગ્યે તમીલનાડુના કાઇમ્બતુરથી કાપડ ભરીને રાજકોટ જવા માટે નિકળ્યો હતો. દરમિયાનમાં ગઇકાલે તે દિલ્હી મુંબઇ એકસપ્રેસ વે પરથી પસાર થઇ રહ્યો હતો. દરમિયાનમાં બપોરના અઢી વાગ્યે તેણે કારેલા ગામ પાસે રેસ્ટ એરિયામાં ટ્રક પાર્ક કરી તે અને તેની સથે આવેલો ક્લિનર સંતોષ રામુ (રહે. કોઇમ્બતુર, તમીલનાડુ) તેમની ટ્રકમાં આરામ કરતાં સુઇ ગયાં હતાં. થોડીવાર બાદ અચાનક તેમની આંખ ખુલતાં તેમનો ક્લિનર સંતોષ ટ્રકમાં જણાયો ન હતો. અરસામાં બહાર રોડ તરફ લોકોનું ટોળું ભેગું થયેલું જોઇ તેમણે ત્યાં જઇ જોતાં તેમના ક્લિનર સંતોષને કોઇ અજાણ્યા વાહને ટક્કર મારતાં તેને ગંભીર ઇજાઓ થયેલી હાલતમાં પડેલો જણાયો હતો હાઇવે એમ્બ્યુલન્સમાં તુરંત સારવાર માટે તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં તબીબે તેનું પરીક્ષણ કરતાં તેનું મોત થયાંનું માલુમ પડ્યું હતું. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
