। ભરૂચ ।
ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં એસઆઈઆરની કામગીરીમાં ચોક્કસ સમુદાયના લોકોને ટાર્ગેટ કરી તેમના નામ કમી કરવા માટે ખોટી અરજીઓ થઈ હોવાની બૂમો ઉઠી રહી છે. ત્યારે ભરૂચના મક્તમપુર ગામે એક સમુદાયના ૨૯૦ લોકોના નામ કમી કરવાથી અરજીઓ થઈ હોવાનું સામે આવ્યું છે. જેના વિરોધમાં મક્તમપુર ગામના રહિશોએ આજે કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ સુત્રોચ્ચાર કર્યા હતાં. તેમજ કલેક્ટરને આવેદન પત્ર આપી એસઆઈઆરની પ્રક્રિયામાં થયેલી ગેરરીતિની તપાસ કરી કસુરવાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
ભરૂચ જિલ્લામાં ચાલી રહેલી એસઆઈઆરની કામગીરીમાં મક્તમપુર ગામનાં એક જ સમાજના ૨૯૦ લોકોના નામ એસઆઈઆરની યાદીમાંથી રદ કરવાની અરજીઓ થઈ છે. જેના વિરોધમાં સોમવારે કલેક્ટર કચેરીએ અસરગ્રસ્તો તેમજ ગ્રામજનોએ મોટી સંખ્યામાં એકત્ર થયાં હતાં. તેમણે એસઆઈઆરની કામગીરીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે સુત્રોચ્ચાર કર્યા હતાં. જે બાદ કલેકટરને આવેદન પત્ર આપ્યું હતુ. જેમાં તેમણે જણાવ્યું છે કે, મકતમપુર ગામના અનેક કાયદેસર અને વરસોથી વસવાટ કરતા મતદારોના નામો સામે ખોટી અને ગેરકાયદેસર વાંધા અરજીઓ કરવામાં આવી છે. અનેક કેસોમાં સ્થળ તપાસ કર્યા વિના, સંબંધીત મતદારોની પુછપરછ કર્યા વિના તેમજ પુરતા પુરાવા જોયા વિના જ ફોર્મ સ્વીકારી કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ રજુઆતમાં ઉલ્લેખાયું છે. આ પક્રિયા કુદરતી ન્યાયના સિદ્ધાંતોના વિરૂધ્ધ હોવાનું પણ આવેદનપત્રમાં જણાવ્યુ છે.
આક્ષેપ મુજબ ફોર્મ નંબર ૭ દ્વારા મોટા પાયે નામ કમી કરવાની અરજીઓ કરવામાં આવી છે. જેમાં નિવૃત્ત સરકારી અધિકારીઓ, વેપારીઓ તથા પ્રતિષ્ઠિત નાગરિકોના નામોનો સમાવેશ થાય છે. આવેદનમાં દિવ્યેશકુમાર વિઠ્ઠલભાઈ પટેલ, કલ્પેશકુમાર કેશવભાઈ પટેલ અને ગણેશ પૂનમભાઈ માછી નામના વ્યક્તિઓ દ્વારા દુધભાવના અને રાજકીય પ્રેરણાથી ગામના ૨૯૦ થી વધુ વ્યક્તિઓ સામે અરજીઓ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. સાથે જ સંબંધિત સરકારી અધિકારીઓએ યોગ્ય ચકાસણી વિના અરજીઓ સ્વીકારી ગંભીર બેદરકારી દાખવી હોવાનું પણ જણાવ્યુ છે.
એસઆઈઆરની યાદીમાંથી નામો કમી કરવા થયેલી અરજીઓ પૈકી એક અરજી માજી સમાજ કલ્યાણ અધિકારી રફીકભાઈ મુન્શી સામે પણ થઈ છે. છેલ્લા ૩૫ વર્ષથી ભરૂચમાં રહેતાં રફીક મુન્શી ભરૂચમાં જ ૧૦ વર્ષ સુધી સમાજ કલ્યાણ અધિકારી તરીકે નોકરી કરી છે.જે બાદ તેઓની બદલથી નવસાર થતાં ત્યાંથી તેઓ રિટાયર્ડ થયાં હતાં. તેઓ મક્તમપુરના સાદાત નગરીમાં રહેતાં હતાં. એસઆઈઆરની કામગીરી વેળાં તેમના સંતાનોના નામ અપડેટ થઈ ગયાં છે. જ્યારે તેમના નામ ઈરાદા પુર્વક કાઢી નાંખવાનો કારસો રચાયો હોવાનો રોષ તેમણે વ્યકત કર્યો 9.
મક્તમપુરમાં રહેતાં ઝૂબેર શેખ નર્મદા નિગમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઈજનેર તરીકે કામ કરી ચુકયા છે. તેમણે સરદારની પ્રતિમાને પગ-પગની એડી સુધીની થયેલી કામગીરીમાં પોતાનું યોગદાન આપ્યું હતું. જોકે, આજે તેમનું નામ કમી કરવા માટે કોઈ શખ્સે અરજી કરી દેતાં પોતાની ઓળખ બતાવવા માટે આજે તેમને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યાં છે. માત્ર તેઓ જ નહીં ગામના સામાજિક આગેવાન અને એડવોકેટ ઈત્તેખાર સૈયદ તેમજ તેમની પત્નીના નામ કાપી નાંખવા અરજી થઈ છે જવારે તેમના સંતાનોના નામ લીસ્ટમાં છે.
