અંકલેશ્વર : અંકલેશ્વર GIDC પોલીસ મથકની હદમાં આવેલા સારંગપુર વિસ્તારમાં નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ઓમનગર વિસ્તારમાં એક રહેણાંક મકાન પર દરોડો પાડી ₹10,19,050 કિંમતનો કુલ 20.381 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. આ મામલે મૂળ બિહાર રાજ્યના ભાગલપુરની રહેવાસી 34 વર્ષીય જ્યોતિકુમારી દીપકકુમાર મંડલની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર આર. એચ. વાળાના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઓમનગર સ્થિત મકાન નંબર-1 ખાતે દરોડો પાડતા ઘરમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
તપાસ દરમિયાન બેડરૂમના કબાટના ગુપ્ત ખાનામાંથી વિમલના થેલામાં પેક કરેલી નાની-નાની પડિકીઓ મળી આવી હતી. ઉપરાંત બાથરૂમમાં રાખેલા 50 કિલોની ક્ષમતાવાળા પ્લાસ્ટિકના ડ્રમમાંથી પણ મોટી માત્રામાં ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાના જથ્થા સાથે ડિજિટલ વજન કાંટો તથા પેકિંગ માટેની પ્લાસ્ટિક થેલીઓ પણ જપ્ત કરી છે.
પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ ગાંજો બિહારના મિથુન પ્રકાશ મંડલ નામના શખ્સ દ્વારા સપ્લાય કરવામાં આવતો હતો. બંને આરોપીઓ નાની પડિકીઓ બનાવી સ્થાનિક સ્તરે વેચાણ કરી આર્થિક લાભ મેળવેતા હતા.
પોલીસે જ્યોતિકુમારી મંડલની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે, જ્યારે મિથુન પ્રકાશ મંડલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. બંને વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(C), 20(b)(ii)(C) અને 29 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
કારરવાઈ દરમિયાન એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તેમજ FSL અધિકારીઓની હાજરીમાં પુરાવાનું પંચનામું કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
