ભરૂચની એસઓજી ટીમે અંકલેશ્વરમાં નવેમ્બર માસ દરમિયાન ઝડપાયેલા હાઈબ્રિડ ગાંજા કેસમાં ફરાર રહેલા વધુ એક આરોપીની સુરતમાંથી ધરપકડ કરી છે. ઝડપાયેલ આરોપી કોલેજીયન વિદ્યાર્થી હોવા ઉપરાંત કોમ્પ્યુટર ડિઝાઇન અને માર્કેટિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલ હોવાનું બહાર આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક એક્ટિવા પર ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે એસઓજી પોલીસે ટ્રેપ ગોઠવ્યો હતો. આ દરમિયાન આકાશ યાદવ નામના યુવકને અટકાવી તેની તલાશી લેવામાં આવતા હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે અંદાજે રૂ. 2.70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી બે આરોપીઓને ઝડપ્યા હતા.
આ ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપી, સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા વંશ શીતકુમાર ઉદાશી ફરાર હતો. જેને પોલીસે હવે સુરતથી ઝડપી પાડ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી બી.એસસી.નો અભ્યાસ કરી રહ્યો છે અને સાથે વેબ ડિઝાઇન તથા માર્કેટિંગનું કામ પણ કરે છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, નશાની લત લાગ્યા બાદ પોતાની જરૂરિયાત પૂરી કરવા તેણે ગાંજાની સપ્લાય શરૂ કરી અને પેડલર તરીકે કાર્ય કરવાનું શરૂ કર્યું હતું. સાધનસંપન્ન પરિવારમાંથી આવતો યુવક નશાની લતમાં ફસાઈ જતા હવે નશાના વેપારમાં સંડોવાઈ ગયો હોવાનું બહાર આવ્યું છે.
હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે તેમજ વધુ વિગતો મેળવવા રિમાન્ડ માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.
