Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

26 ફેબ્રુઆરીથી SSC-HSC બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ : ભરૂચમાં 35,861 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, સુરક્ષા માટે કડક આયોજન

Share

ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા આવનાર 26 ફેબ્રુઆરીથી એસએસસી અને એચએસસી બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં કુલ 143 પરીક્ષા બિલ્ડિંગોમાં 35,861 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે.
આમાંથી એસએસસીમાં 22,796 વિદ્યાર્થીઓ, એચએસસી સામાન્ય પ્રવાહમાં 9,774 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 3,259 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઉપરાંત સંસ્કૃત માધ્યમના 32 વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં ભાગ લેશે.
સમગ્ર પરીક્ષા વ્યવસ્થાને સુચારુ બનાવવા માટે 153 સરકારી પ્રતિનિધિઓ, 143 સ્થળ સુપરવાઈઝર, 1,282 ખંડ નિરીક્ષકો તથા 331 જેટલો પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. તમામની નિમણૂક કરી દેવામાં આવી છે.
વિદ્યાર્થીઓ ભયમુક્ત અને સુરક્ષિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે ‘આત્મવિશ્વાસ હેલ્પલાઇન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાથે જ નબળા વિદ્યાર્થીઓ પાસિંગ માર્ક સુધીની તૈયારી કરી શકે તે હેતુસર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા મુખ્ય વિષયોની પાંચ માર્ગદર્શિકા પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવી છે.
માનનીય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં તમામ સંકળાયેલી એજન્સીઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં પરીક્ષા દરમિયાન સતત વીજ પુરવઠો, ટ્રાન્સપોર્ટેશન સહિતની સુવિધાઓ અવિરત રહે તેની ખાતરી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં તકલીફ ન પડે તે માટે રીક્ષા એસોસિએશનની સહાયથી ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે.
આજરોજ જેપી આર્ટ્સ કોલેજના હોલ ખાતે પરીક્ષા કેન્દ્રો પર શાળા સલામતી માટે નિમાયેલા 153 નોડલ અધિકારીઓને તાલીમ આપવામાં આવી. તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને સુરક્ષિત વાતાવરણમાં પરીક્ષા અપાવવા, શાંતિ જાળવવા તથા આકસ્મિક પરિસ્થિતિમાં યોગ્ય પગલાં લેવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.
નોડલ અધિકારીઓ પરીક્ષા શરૂ થવા પહેલા અને પૂર્ણ થયા બાદ પરીક્ષા કેન્દ્રના દરેક ખૂણાની તપાસ કરશે, સફાઈ સુનિશ્ચિત કરશે, શંકાસ્પદ અથવા અજાણ્યા પદાર્થો અંગે જરૂરી કાર્યવાહી કરશે તથા શાળા કેમ્પસમાં અજાણ્યા વ્યક્તિઓની અવરજવર રોકશે. ઉપરાંત સીસીટીવીનું સઘન મોનિટરિંગ રાખી શંકાસ્પદ બાબતો અંગે જિલ્લા પોલીસ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો સંપર્ક કરશે. અફવાઓથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા સ્ટાફ ગભરાઈ ન જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે.
ખાસ કરીને 23 અને 24 ફેબ્રુઆરીના રોજ તમામ પરીક્ષા કેન્દ્રો પર આપાતકાલીન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને સલામત બહાર કાઢવા મોક ડ્રિલ યોજવા સૂચના આપવામાં આવી છે. આ મોક ડ્રિલ દરમિયાન નજીકના પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ જોડાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
આ રીતે ભરૂચ જિલ્લામાં બોર્ડ પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં યોજાય તે માટે તંત્ર દ્વારા વ્યાપક આયોજન હાથ ધરાયું છે.

Share

Related posts

ઉર્વશી રૌતેલાએ તેમની ફિલ્મ વોલ્ટેર વેર્યાના કાર્યક્રમમાં મેગાસ્ટાર ચિરંજીવીના આશીર્વાદ લેતા દર્શકો પ્રભાવિત થયા

ProudOfGujarat

ઝઘડિયા મામલતદાર કચેરી દ્વારા માહિતી નહિ અપાતા સાત દિવસમાં માહિતી આપવા નાયબ કલેકટરનો હુકમ.

ProudOfGujarat

પારખેત ગામની પ્રાથમિક મિશ્ર શાળામાં વાલીઓનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!