ભરૂચ.
ભરૂચ શહેરમાં દમદાટી અને ઉઘરાણી કરતી સિઝરોની ટોળકીના કારણે હૃદયરોગના દર્દીનું મોત નિપજતા ચકચાર મચી ગઈ છે. આ બનાવમાં ભરૂચ એ ડિવિઝન પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી તેમના સામે સાપરાધ માનવ વધ સહિતના ગંભીર ગુનાઓ દાખલ કર્યા છે.
મૃતક ઉર્વેશ બિપિન મોદી (ઉ.વ. 45), જે કોલેજ રોડ પર પાર્થ નગર વિસ્તારમાં રહેતા હતા, બે દિવસ અગાઉ પોતાની એક્ટિવા પર પત્ની તૃપ્તિબેનને એસએનપીએસ સ્કૂલમાંથી ફરજ પુરી કરી ઘરે લઈ જઈ રહ્યા હતા. ઉર્વેશ મોદી દહેજની એક કંપનીમાં કોન્ટ્રાક્ટ આધારિત નોકરી કરતા હતા અને અગાઉ ઝોમેટોમાં કાર્યરત રહ્યા હતા. વર્ષ 2022માં હૃદયમાં સ્ટેન્ટ મુકાવ્યા બાદ તેમને ફરી હૃદય સંબંધિત તકલીફ ઉભી થતાં રજા પર હતા.
પત્નીને સ્કૂલેથી લઈને પરત ફરતા સમયે રહાડપોર નજીક બે ટુવ્હિલર પર આવેલાં ચાર શખ્સોએ તેમને અટકાવ્યા હતા. એક્ટિવાની નંબર પ્લેટ મુદ્દે દમદાટી કરી ધમકાવતાં હૃદયરોગી ઉર્વેશ મોદી ગભરાઈ ગયા અને એક્ટિવા પર જ ઢળી પડ્યા હતા. તાત્કાલિક સારવાર મળે તે પહેલાં જ તેમનું દુઃખદ નિધન થયું હતું.
આ અંગે પત્ની તૃપ્તિબેન દ્વારા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઉઘરાણી કરતી સિઝર ટોળકી સામે ગુનો દાખલ કર્યો હતો.
તપાસ દરમિયાન પી.આઈ. આર.એમ. વસાવાની આગેવાની હેઠળ પોલીસે યોગેશ સંતોષભાઈ બેલેરાવ, સંજુ રામધ્યાન વસાવા, પ્રિતેશ ભરત રાણા અને ભાવેશ વસાવાની ધરપકડ કરી છે. યોગેશ બેલેરાવ સિઝર તરીકે કામ કરતો હતો અને તેની સાથેના સાથીદારો વાહનો સીઝ કરવાની આડમાં લોકોને અટકાવી દમદાટી કરતા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકી મૃતકને છેલ્લા ચાર મહિનાથી હેરાન કરતી હતી. અગાઉ એક્ટિવાની લોન બાકી હોવાનું કહી જબરદસ્તી રૂ. 4,000 ઉઘરાવી લીધા હતા. હાલ ચારેય આરોપીઓ સામે સાપરાધ માનવ વધ, તોડપાણી અને ગેરકાયદેસર અટકાવી દમદાટી આપવાના ગુનાઓ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
